તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
જૂનાગઢમાં પ્રેમજાળમાં ફસાવી કોલેજીયન યુવતી પર દુષ્કર્મ:મુખ્ય આરોપી સહિત 3ની ધરપકડ
આરોપીએ સાચું નામ અને પોતે પરિણીત હોવાની વાત છુપાવીને યુવતીને લગ્નની લાલચ આપી હતી:યુવતીનો મોબાઈલ હેક કરીને તેને ધમકાવી અને તેની જાણ બહાર જ ગર્ભપાત (એબોર્શન) પણ કરાવી દીધો

જૂનાગઢમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બહારના જિલ્લામાંથી કોલેજમાં અભ્યાસ કરવા આવેલી એક યુવતીને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપીએ પોતાનું સાચું નામ અને પોતે પરિણીત હોવાની વાત છુપાવીને યુવતીને લગ્નની લાલચ આપી હતી. એટલું જ નહીં, યુવતીનો મોબાઈલ હેક કરીને તેને ધમકાવી અને તેની જાણ બહાર જ ગર્ભપાત (એબોર્શન) પણ કરાવી દીધો હતો. આ ગંભીર મામલે જૂનાગઢ પોલીસે મુખ્ય આરોપી અને તેને મદદ કરનાર બે મિત્રો સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, બહારના જિલ્લાની એક યુવતી છેલ્લા દોઢેક વર્ષથી જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી. શરૂઆતમાં તે પીજી (PG) માં અને ત્યારબાદ પોતાની બહેનપણી સાથે પ્રાઈવેટ મકાન ભાડે રાખીને રહેતી હતી. એપ્રિલ 2024 દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને સ્નેપચેટ મારફતે તે તાલાલાના ચિત્રાવડ ગામના રહેવાસી ફરાઝ ઉર્ફે ઈમ્તિયાઝ કાદરભાઈ સુમરાના સંપર્કમાં આવી હતી.
આરોપી ઈમ્તિયાઝે પ્રથમ મુલાકાતમાં યુવતીને પોતાનું નામ 'ફરાઝ' જણાવ્યું હતું અને પોતે ગાડી લે-વેચનો ધંધો કરે છે, તેમજ અપરિણીત છે તેવી ખોટી ઓળખ આપી હતી. યુવતીને જિંદગીભર સાથ નિભાવવાની ફિલ્મી વાતો કરી અને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપીએ તેના મિત્ર શોએબની મદદથી જૂનાગઢના કાળવા ચોકમાં આવેલી 'હોટેલ પેરામાઉન્ટ'માં યુવતીને લઈ જઈ શરીરસંબંધ બાંધ્યો હતો.
સમય જતાં યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા, આરોપી ફરાઝ ઉર્ફે ઈમ્તિયાઝે યુવતીની જાણ બહાર તેનો મોબાઈલ અને વોટ્સએપ હેક કરી લીધા હતા. યુવતી કોની સાથે વાતચીત કરે છે, તે બાબતે ડરાવી-ધમકાવીને તેની મરજી વિરુદ્ધ અલગ-અલગ જગ્યાએ લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતીને પેઢુના ભાગે દુખાવો ઉપડતાં આરોપી સારવારના બહાને તેને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તેના અન્ય એક મિત્ર અશફાકની મદદથી યુવતીની જાણ બહાર જ તેનું એબોર્શન (ગર્ભપાત) કરાવી નાખ્યું હતું. સમગ્ર ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે યુવતીએ ઈન્સ્ટાગ્રામમાં પ્રોફાઈલ પિક્ચર જોયું અને તેને ખબર પડી કે ફરાઝનું સાચું નામ ઈમ્તિયાઝ છે અને તે પહેલેથી જ પરિણીત છે. છેતરાયેલી યુવતીએ હિંમત ભેગી કરી પરિવારની સાથે રહીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે 3 આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
