તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
ભાડલાના રાણીંગપુરમાં ૫૦ હજારનું ૧ લાખ વ્યાજ ભર્યુ છતાં વધુ માંગી દીપકભાઇ પર ધોકાવાળી
દવાખાનાના કામ માટે લાખણકાના શખ્સ પાસેથી ૧૦ ટકા વ્યાજે નાણા લીધા હતાં: રમેશ, તેના ભાઇ ધનજી અને રમેશના પુત્ર અરૂણે હુમલો કર્યોઃ યુવાન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૧: વ્યાજખોરીના એક કિસ્સામાં જસદણના ભાડલા તાબેના રાણીંગપુર વેરાવળ ગામે રહી ખેત મજૂરી કરતાં યુવાન પર વ્યાજ માટે ધોકા-પાઇપથી હુમલો કરવામાં આવતાં તે લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
દવાખાનાના કામ માટે એક વર્ષ પહેલા લાખણકાના શખ્સ પાસેથી પચાસ હજાર લીધા હતાં. તેની સામે એક લાખ દઇ દીધા છતાં વધુ વ્યાજ માંગી હુમલો કરાયાનું જણાવાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ રાણીંગપુર વેરાવળ ગામે રહેતાં દીપકભાઇ અંજુભાઇ મંજુરીયા (ઉ.વ.૩૮) નામના યુવાન પર સાંજે સાડા આઠેક વાગ્યે તે ગામના વાડી વિસ્તારમાં હતો ત્યારે લાખણકા ગામના રમેશ નારૂભાઇ, તેનો ભાઇ ધનજી નારૂભાઇ અને રમેશનો દિકરો અરૂણ ધોકા-પાઇપ લઇને ધસી આવ્યા હતાં અને દીપકભાઇને આડેધડ ફટકારતાં માથા, શરીરે ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. દકોરો તેનો દિકરો રસિક (ઉ.વ.૨૦) વચ્ચે પડતાં તેને પણ માથામાં ધોકો ફટકારી દેવાયો હતો. બીજા લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.
દીપકભાઇને જસદણ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી. દીપકભાઇના કહેવા મુજબ તે બે ભાઇ અને બે બહેનમાં નાના છે. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે.
તેને દવાખાનાના કામ માટે જરૂર હોઇ એક વર્ષ પહેલા રમેશ અને તેના ભાઇ પાસેથી દસ ટકા વ્યાજે પચાસ હજાર લીધા હતાં. આ રકમ સામે અત્યાર સુધીમાં એક લાખથી વધુ ભરી દીધા છે. આમ છતાં આ શખ્સોએ વધુ વ્યાજ મુડી માંગી હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
