<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

રણછોડગઢમાં આક્રંદ વચ્ચે એકસાથે ૫ અર્થીઓ ઉઠીઃ તાલુકા પંચાયત સદસ્ય સહિત ૫ યુવાનોના મોત

એક જ ગામના પાંચ-પાંચ રત્નો જેવા યુવાનો કાળનો કોળિયો બની જતાં પરિવારો પર આભ તૂટી પડ્યું છે

મોરબી:  હળવદ તાલુકાના ચરાડવા નજીક ગત રાત્રે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં કાળ આંબી ગયો છે. અત્રે કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હળવદ તાલુકા પંચાયત સદસ્ય સહિત રણછોડગઢ ગામના પાંચ આશાસ્પદ યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આજે સવારે જ્યારે ગામમાંથી એકસાથે પાંચ યુવાનોની સ્મશાનયાત્રા (અર્થી) નીકળી ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું અને પથ્થર હૃદયના માણસની આંખોમાંથી પણ આસુ સરી પડ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર હળવદ પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, ગત રાત્રે ચરાડવા નજીક કાર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ બે યુવાનોએ દમ તોડી દેતા કુલ મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં રણછોડગઢ બેઠકના હળવદ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ દઢૈયા, સુરેશ સિહોરા, ભરત દઢૈયા, વિરમ દઢૈયા અને પરેશ દઢૈયાનો સમાવેશ થાય છે. એક જ ગામના પાંચ-પાંચ રત્નો જેવા યુવાનો કાળનો કોળિયો બની જતાં પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

આ ભયાનક અકસ્માતમાં અન્ય બે યુવાનો પ્રકાશ દઢૈયા અને દિલીપ ભગવાનજીભાઈ દઢૈયાને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ઇમરજન્સી સારવાર માટે તાત્કાલિક રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતે રણછોડગઢ ગામની દિવાળી જેવી શાંતિને માતમમાં ફેરવી દીધી છે.

(10:47 AM IST)