<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

૨૩ વર્ષથી ફરાર લીસ્‍ટેડ ઇનામી આરોપીને મોરબીમાંથી શોધી કાઢતી રાજુલા પોલીસ

મૂળ મુંબઇનો પ્રકાશ બધાણી પીપાવાવ પોર્ટમાં સિકયુરીટી સુપરવાઇઝર હતોઃ જુનાગઢ રહેતા તેના પરિવારે કહયુ કે તે કયાં છે તેની અમોને ખબર નથીઃ વાપીમાં લવમેરેજ કરીને પરિવારને છોડી નાસતો ફરતો રહયોઃ સતત સર્ચ કરતા સર્વેલન્‍સ ટીમને મળી સફળતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૬: રાજુલા પો.સ્‍ટે. એ કલમ ૪૦૬,૪૨૦ મુજબના ગુન્‍સના આરોપી પ્રકાશ રતીલાલ બધાણી(બદાની) રહે.-મુંબઈ મલાડ વાળો છેલ્લા ૨૩ વર્ષથી નાસતો ફરતો હોય અને અમરેલી જીલ્લાના લીસ્‍ટેડ આરોપી હોય તેમજ પોલીસ અધિક્ષક દ્વારા રૂા.૧૦ હજારનું ઇનામ જાહેર કરેલ હોય જેને રાજુલા પો.સ્‍ટે, ની સર્વેલન્‍સ ટીમ દ્વારા મોરબી ખાતેથી ઝડપી પાડી કાર્યવાહી કરેલ છે.

વર્ષ ૨૦૦૩ માં રાજુલા પોલીસ સ્‍ટેશન ખાતે આ ગુનો નોંધાયો હતો, જેમાં પીપાવાવ પોર્ટ ખાતે સિકયુરિટી સુપરવાઇઝર આરોપી પ્રકાશ રતિલાલ બધાણી (બદાણી) રહે. જુનાગઢ મૂળ મુંબઈ મલાડ વાળો કંપનીમાં સીકયુરીટી તરીકે કામ કરતા કર્મચારીઓના પગારની રકમ-૯૪૬૮૫/- લઈ ફરાર થઈ ગયો હતો. જે અંગેની ફરીયાદ ઉમેદસીંગ લાંબા પીપાવાવ સીકયુરીટી ઓફીસરએ નોંધાવેલ. આરોપીની નોકરી દરમ્‍યાન મળેલ માહિતી આધારે અને બતાવેલ સરનામે ૨૦૦૩માં જૂનાગઢ તથા મુંબઈ ખાતે તપાસ કરતા માહિતી મળી નહોતી.અને એમના પપ્‍પા એ કહ્યું હતું કે ‘‘અહીંથી જતો રહ્યો એના ૨૦ વર્ષ વીતી ગયા છે'' અને તેમના પરિવારને પણ આરોપી કયાં છે તેની કોઈ જાણકારી ન હતી. હાલ છેલ્લાં બે મહિના પહેલા એમના ભાઈનો કોન્‍ટેક્‍ટ કરી પૂછતા જણાવેલ કે ‘‘એ છેલ્લા ૩૫ વર્ષથી અમને કઈ ખબર નથી કે એ કયાં છે અને એ એમના મમ્‍મી ગુજરી ગયા તો પણ આવેલ નથી અને એ અમારા માટે મરણ ગયેલ છે'' જે વાત તેમના નાનાભાઇ અશ્વિન બદાણી રહે.મુંબઇ વાળાએ જણાવેલ.

બાદ આરોપીનાં પ્રકાશ રતિલાલ બધાણી (બદાણી) રહે.મુંબઈ મલાડ જૂના સરનામા તથા ઉપલબ્‍ધ આઇકાર્ડના આધારે વિવિધ સોફ્‌ટવેર અને ટેકિનકલ એનાલિસિસ કરવામાં આવ્‍યા, પરંતુ કોઈ અસર કારક માહિતી ન મળી. ત્‍યારબાદ તપાસ દરમિયાન જૂના રેકર્ડમાંથી આરોપીની જન્‍મતારીખ તા.૨૬/૧૨/૧૯૬૬ મળી આવી જે જન્‍મ તારીખ આધારે ગાંડીવ એપ્‍લિકેશન મારફત સર્ચ કરતા પ્રકાશ રતિલાલ બધાણી (બદાણી) રહે.મુંબઈ નો કોઇ વ્‍યક્‍તી ન મળી આવ્‍યો પણ પ્રકાશ રતિલાલ ઘણા મળે છે જેથી આ જન્‍મ તારીખ ધરાવતા ‘‘પ્રકાશ'' નામના વ્‍યક્‍તિઓ અંગે ટેકનિકલ એનાલિસિસ તથા અલગ અલગ Instagram એકાઉન્‍ટ, Facebook એકાઉન્‍ટ, બેંક એકાઉન્‍ટ તથા મોબાઇલ નંબર તેમજ હ્યુમન સોર્સ મારફતે તપાસ કરવામાં આવી અને આ જન્‍મ તારીખ ધરાવતા ‘‘પ્રકાશ રતિલાલ શાહ, રહે. જોધપુર, રાજસ્‍થાન'' નામની વ્‍યક્‍તિ શંકાસ્‍પદ જણાઈ આવી. ત્‍યારબાદ આરોપી હોવાનું માની લેવામાં આવે તે પહેલાં તેની સાથે સંકળાયેલી તમામ કડીઓનું ઊંડાણપૂર્વક વેરિફિકેશન કરવામાં આવ્‍યું.

આરોપીના વર્ષ ૨૦૦૩થી અલગ-અલગ સમયે રાજસ્‍થાનમાં જોધપુર, જયપુર, નાસિક, વડોદરા, જામનગર, સુરત, રાજકોટ-મેટોડા GIDC, અમદાવાદ, પાલનપુર બનાસકાંઠા, તથા મોરબી સહિતના સ્‍થળોએ નવા મોબાઈલ નંબર અને નવું બેંક એકાઉન્‍ટ ખોલી, અને નવું સરનામું રાખી પ્રકાશ રતિલાલ શાહ નામથી રહેતો હતો. નોકરી છોડતી વખતે મોબાઇલ તથા નંબર બંધ કરી દેવાની તેની રીતના કારણે તેની જૂની કડીઓ શોધવી મુશ્‍કેલ બનતી હતી. આરોપી સુધી પહોંચતા પહેલા કુલ ૯ મોબાઇલ નંબરો મળી આવ્‍યા, જે તમામ વર્ષ ૨૦૨૪ સુધીમાં બંધ થઈ ચૂકેલા અથવા અન્‍ય વ્‍યક્‍તિઓના નામે થઈ ગયેલા હતા. બેંકના ત્રણ ખાતા પણ મળી આવ્‍યા હતા, જે ૨૦૨૪માં બંધ થઈ ચૂકયા હતા. તમામ સોશિયલ મીડિયા એકાઉન્‍ટ ૨૦૨૪ સુધીમાં બંધ કરી દીધા હતા. અને એના તમામ જુના કોન્‍ટેક (વ્‍યક્‍તી)નો સંપર્ક તોડી નાખતો હોવાથી આરોપી સુધી પહોંચવુ મુશ્‍કેલ બનતું હતું. પણ આખરે આરોપી દ્વારા વર્ષોથી પોતાની ઓળખ અને તમામ ડિજિટલ કડીઓ બદલવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા સતત ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ અને ઉપલબ્‍ધ તમામ માહિતીનું ક્રોસ વેરિફિકેશન ચાલુ રાખવામાં આવ્‍યું. અને અંતે એક મહત્‍વપૂર્ણ કડી મળે છે જેમાં તેના જુના ફોટા ઉપર નવજ્‍યોત મનોવિકાસ કેન્‍દ્ર સંસ્‍થા રાજસ્‍થાનનો ફોટા મળે છે અને ગૂગલની સાઇટ ઉપરથી સંસ્‍થાનો નંબર મેળવી તેમજ ત્‍યાનાં હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આરોપીનો ચાલુ મોબાઇલ નંબર મેળવી અને આ નંબર આરોપી પ્રકાશ રતિલાલ શાહનો જ હોવાનું વેરિફાઈ થતો રાજુલા પો.ઇન્‍સ વી.એમ.કોલાદરાના માર્ગદર્શન હેઠળ ચોક્કસ લોકેશન તથા સરનામા આધારે રાજુલા સર્વેલન્‍સ ટીમ દ્વારા મોરબી ખાતેથી આરોપીને ઝડપી પાડી ૨૩ વર્ષથી ફરાર આરોપી પ્રકાશ રતિલાલ બધાણી ઉર્ફે બદાણી રહે, મુંબઈ મલાડ વાળા વિરુધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 પુછપરછ દરમ્‍યાન આરોપીએ જણાવેલ કે પોતે ૧૯૮૮ થી પોતાના ઘરનો ત્‍યાગ કરી મુંબઇ મુકીને જતો રહેલ બાદ તેણે ૧૯૯૫ માં લવ મેરેજ વાપી ખાતે કરેલ હોય અને તેમનાથી એમને બે દીકરીઓ પણ હતી પણ સન. ૨૦૦૦ થી બધાને મુકીને જતો રહેલ હતો અને એનો આજદીન સુધી કોઇ સંપર્ક કરેલ ન હોય અને આરોપીએ જણાવેલ કે પોતે જયાંથી નોકરી છોડીને જતો ત્‍યાથી નાની મોટી રકમ લઇને ફરાર થઇ જતો જેથી તે તેમની પાછળની હીસ્‍ટ્રી છુપાવતો હતો. જે બાબતે આરોપીએ કોઇ અન્‍ય મોટો ગુનો કરેલ છે કે કેમ ? તે અંગે વધુ તપાસ ચાાલુ છે. હાલનું બદલાવેલ નામ સરનામું: પ્રકાશ રતિલાલ શાહ ઉ.વ.૬૦ ધંધો.સીકયુરીટી નોકરી હાલ, રહે. મોરબી છે. 

રાજુલા પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ.કોન્‍સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા મનુભાઈ રામભાઇ માંગાણી તથા સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા પો.કોન્‍સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા રવિરાજભાઇ બાબુભાઇ વરુ તથા રાજુલા ડીવીઝન ઓફીસ પો.કોન્‍સ. વિરાગભાઇ વિષ્‍ણુપ્રસાદ મહેતા દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

(11:32 AM IST)