News of Tuesday, 14th April 2026
સુરેન્દ્રનગરની મૂળી-02 બેઠકના ઉમેદવાર રાજુ કરપડાની મિલ્કત ચાર વર્ષમાં પાંચ ગણી વધી:સોગંદનામામાં કરોડોની સંપત્તિ જાહેર
2022 માં તેમની મિલકત રૂ. 61 લાખ હતી, જે 4 વર્ષમાં 5 ગણી વધી છે. તેમણે 40 વીઘા જમીન, રૂ. 20 લાખની ઈનોવા અને રૂ. 69 લાખના દાગીનાની ખરીદી કરી હોવાનું સામે આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી-02 જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર અને જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલા સોગંદનામામાં તેમની સંપત્તિના આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. માત્ર 3.54 વર્ષના ટૂંકા ગાળામાં તેમની કુલ મિલકતમાં ધરખમ 5 ગણો વધારો નોંધાયો છે.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે રાજુ કરપડાએ પોતાની કુલ સંપત્તિ અંદાજે રૂ. 61 લાખ દર્શાવી હતી. જોકે, 2026ની આ ચૂંટણીના સોગંદનામા મુજબ તેમની સંપત્તિ હવે વધીને રૂ. 3.21 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે તેમની આર્થિક સ્થિતિમાં ટૂંકા સમયમાં મોટો બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે ખેડૂતોના પ્રશ્નો માટે લડતા નેતાની વ્યક્તિગત સંપત્તિમાં થયેલો આ વધારો હવે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સોગંદનામાની વિગતો મુજબ, રાજુ કરપડાએ આ ગાળામાં ખેતીની જમીનમાં મોટું રોકાણ કર્યું છે. તેમણે 40 વીઘા જમીન વસાવી છે. આ ઉપરાંત, મુસાફરી માટે રૂ. 20 લાખની કિંમતની નવી ઈનોવા કાર પણ ખરીદી છે. માત્ર સ્થાવર મિલકત જ નહીં, પણ જંગમ મિલકતમાં પણ વધારો થયો છે. તેમની પાસે રહેલા સોના-ચાંદીના દાગીનાની કિંમત પણ હવે રૂ. 69 લાખ સુધી પહોંચી હોવાનું જાહેર કરાયું છે.
મૂળી બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલા કરપડા માટે આ આંકડાઓ વિરોધ પક્ષો માટે હથિયાર બની શકે છે. એક તરફ ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને આર્થિક મુશ્કેલીઓની વાતો થતી હોય છે, ત્યારે બીજી તરફ ખેડૂત નેતાની સંપત્તિમાં થયેલો આ 500% થી વધુનો વધારો મતદારો પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
