News of Thursday, 14th May 2026
કુળદેવીના હવનમાં આવેલા રાજકોટના પ્રજાપતિ પરિવાર પર આભ ફાટયું: શૈલેષભાઈ ધોકિયાનું હૃદયરોગના હુમલાથી નિધન
કલ્યાણપુરના લાંબા ગામે હવન દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલે ખસેડાયા, તબીબે મૃત જાહેર કર્યાઃ બે સંતાનોના પિતા ગાંધીગ્રામમાં કરતા હતા વેપાર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૪: કુળદેવીના દર્શન અને હવન માટે એકત્ર થયેલા પ્રજાપતિ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ધોકિયા પ્રજાપતિ પરિવાર ગઈકાલે કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે કુળદેવીના હવનના કાર્યક્રમમાં ઉપસ્થિત હતો ત્યારે અચાનક બનેલી ઘટનાથી સમગ્ર સમાજમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ગાંધીગ્રામ રાજકોટના રહેવાસી અને વેપાર સાથે સંકળાયેલા શૈલેષભાઈ પોપટભાઈ ધોકિયા ઉ.વ. ૫૨ ને હવન દરમિયાન અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસી હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હોવાનું જાહેર કર્યું હતું.
માતાજીના કુળદેવીના હવન જેવા માંગલિક પ્રસંગે ભેગા થયેલા પ્રજાપતિ સમાજના લોકોમાં શૈલેષભાઈના અકાળે અવસાનના સમાચારથી શોક વ્યાપી ગયો હતો. મળતક શૈલેષભાઈ બે સંતાનોના પિતા હતા અને રાજકોટથી લાંબા ગામે યજ્ઞ કાર્યમાં સહભાગી થવા આવ્યા હતા. ત્યાં જ તેઓ અવલ મંજિલે પહોંચી જતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પરિવાર અને સમાજના આગેવાનોએ સ્વ. શૈલેષભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
