News of Saturday, 17th October 2026
૧૫ ગુનાના કુખ્યાત આરોપી ડેંડુ બોરીચા ઉપર રાજકોટ રેન્જ પોલીસનું ફાયરિંગ, PSIની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરતા પગમાં ગોળી વાગી
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સાયલાના ગોસળ ગામ પાસે ઘટના, ઘાયલ આરોપીને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડાયો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૭: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર રાજકોટ રેન્જની ટીમ દ્વારા કુખ્યાત આરોપી ઉપર ફાયરિંગ કરવાની ઘટના બની છે.
આરોપીનું નામ દેવેન્દ્ર ઉર્ફે ડેંડુ ભરતભાઈ બોરીચા, રહે. સુદામડા, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર છે. તેની સામે સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જિલ્લામાં આશરે ૧૫ થી વધારે ગુના નોંધાયેલા છે. જેમાં દારૂ, ખંડણી, ફાયરિંગ, રાયોટિંગ, ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. હાલમાં તે ૬ ગુનામાં ફરાર હતો. જેમાં સાયલા - પ્રોહી, ધજાળા - ખંડણી, - વીંછિયા - ખૂનની કોશિશ તથા રાયોટિંગ (આર્મ્સ એક્ટ), - સાણંદ - પ્રોહી, લીંબડી - આર્મ્સ એક્ટનો સમાવેશ થાય છે.રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા આરોપીને સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોસાળ ગામના રસ્તે ગોસળીયા હનુમાનજી મંદિર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ઉલટીના બહાને ગાડી ઉભી રખાવી હતી.
તે દરમિયાન આરોપીએ PSI ભાનુભાઈ મિયાત્રા સાથે ઝપાઝપી કરી તેમની પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારી હથિયારમાંથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વબચાવમાં રેન્જના અન્ય PSI પળથ્વીરાજસિંહ મોરીએ ૦૨ રાઉન્ડ ફાયર કર્યા હતા. પ્રથમ રાઉન્ડ હવામાં અને બીજો રાઉન્ડ આરોપીના પગમાં વાગતા તે ઘાયલ થયો હતો.
ઘાયલ આરોપીને તાત્કાલિક ૧૦૮ મારફતે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાયલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ સાયલા પોલીસ અને સુરેન્દ્રનગર LCB ટીમ કરી રહી છે
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
