<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

સુરેન્દ્રનગરના ખેરાણામાં રાજકોટ રેન્જ IG ટીમનો સપાટો : વાડીની ઓરડીમાંથી 3,600 નંગ વિદેશી દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગરના ખેરાણા ગામમાં વાડીની ઓરડીમાં ચાલતા દારૂના અડ્ડા પર પોલીસની રેડ કરી 4 લાખનો મુદ્દામાલ જપ્ત: આરોપી નાગરાજ ધાધલની શોધખોળ

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાણા ગામમાં આવેલી એક વાડીની ઓરડીમાં રેડ કરીને પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.

રાજકોટ રેન્જ આઈજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખેરાણા ગામમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાડીની ઓરડીમાંથી વિદેશી બનાવટની દારૂની કુલ 3,600 નંગ બોટલો મળી આવી હતી. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસે દારૂના જથ્થાની સાથે રાજકોટ પાસિંગનું એક મોટરસાયકલ પણ કબજે કર્યું છે. દારૂ અને વાહન મળીને અંદાજે 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર પંથકમાં દારૂના વ્યવસાય સામે છેલ્લા કેટલાક સમયમાં આ બીજી મોટી રેડ માનવામાં આવે છે.

પોલીસે રેડ દરમિયાન આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવનાર આરોપી નાગરાજ ધાધલ ઘટના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેની વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. રેન્જ આઈજીની આ સીધી કાર્યવાહીએ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે

(11:15 PM IST)