તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રોયે ધોરાજી કચેરીનું ઇન્સ્પેક્શન કરી જિમ્નેશિયમનું ઉદ્ઘાટન કર્યું : જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને IPS સિમરન ભારદ્વાજ સાથે લોકદરબાર યોજી આગેવાનોના સૂચનો સાંભળ્યા
જન્માષ્ટમીએ જુગાર રમીને તહેવારની ઉજવણી ચલાવી લેવાશે નહીં - મહિલાઓ આગળ આવી વ્યસનમુક્તિનું સામાજિક દાયિત્વ નિભાવે : ધોરાજી નગરપાલિકાની હદ મુજબ સીટી પોલીસ સ્ટેશનની હદ લંબાવવા આઈજી દ્વારા સરકારમાં દરખાસ્ત કરવાની ખાતરી

કિશોર રાઠોડ દ્વારા, ધોરાજી: ધોરાજી વિભાગીય પોલીસ કચેરી ખાતે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રોય અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર વિશેષ મુલાકાતે ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન વિભાગીય કચેરીના આઈપીએસ અધિકારી સિમરન ભારદ્વાજ તેમજ વિભાગીય વિસ્તાર હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિભાગીય કચેરીનું ખાતાકીય ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, તેમજ ધોરાજી પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત જિમ્નેશિયમ હોલનું ઉદ્ઘાટન રેન્જ આઈજી નિર્લિપ્ત રોયના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ઇન્સ્પેક્શન અને ઉદ્ઘાટન બાદ ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર વિસ્તારના રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ પરામર્શ બેઠક અને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રોય દ્વારા જનતા જનાર્દનના સૂચનો અને સ્થાનિક સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.
ધોરાજી શહેરની પ્રથમ મુલાકાતે આવેલા રેન્જ આઈજી નિર્લિપ્ત રોયે આગામી તહેવારો સંદર્ભે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, આગામી શ્રાવણ માસમાં કૃષ્ણ જન્મોત્સવ ભાવભર્યા ભક્તિપૂર્ણ માહોલમાં ઉજવવો જોઈએ. જ્યારે કોઈ પણ જન્મઉત્સવ ઉજવાતો હોય ત્યારે તે ધાર્મિક ભાવથી ઉજવાય છે, નહીં કે જુગાર રમીને. આ વિસ્તારમાં જન્માષ્ટમી મહોત્સવ વખતે પુરુષો અને મહિલાઓ દ્વારા જુગાર રમીને ઉત્સવ ઉજવાતો હોવાનું ધ્યાને આવ્યું છે, પરંતુ તેમના ક્ષેત્રમાં કોઈ પણ કાળે જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. કાયદાનું પાલન કરાવવા પોલીસ દ્વારા જુગારના દરોડા પાડવામાં આવશે અને પકડાયેલા લોકોના ફોટા મીડિયામાં પણ જાહેર કરાશે. તેમણે તમામ આગેવાનો અને મહિલા અગ્રણીઓને કૃષ્ણ જન્મોત્સવ પૂર્ણ શ્રદ્ધા અને ધાર્મિકતાથી ઉજવવા નમ્ર અપીલ કરી હતી.
બેઠક દરમિયાન ભાયાવદર નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વ્યસનમુક્તિ અંગે રજૂ કરાયેલા વિચારને આવકારતા રેન્જ આઈજીએ ઉમેર્યું હતું કે, પાન-માવા કે અન્ય કોઈ પણ પ્રકારનું વ્યસન વ્યક્તિને નુકસાન પહોંચાડે છે અને આ નુકસાન અટકાવવું એ આપણી સામાજિક જવાબદારી છે. નશાબંધી માટે મહિલાઓ આગળ આવીને પુરુષોના વ્યસન છોડાવે તેવું સામાજિક દાયિત્વ નિભાવે તે જરૂરી છે.
પોલીસ કામગીરી અને કાયદો-વ્યવસ્થા અંગેના સૂચનો દરમિયાન અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડે રાજકોટ રેન્જના વડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરવા બદલ આઈજી નિર્લિપ્ત રોયને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મહત્વનું સૂચન કરતા જણાવ્યું હતું કે, ધોરાજી સીટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનની હદને કારણે નાગરિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ધોરાજી નગરપાલિકાની જે ભૌગોલિક હદ છે તે જ મુજબ સીટી પોલીસ સ્ટેશનની હદ નક્કી થવી જોઈએ. હાલમાં ચારેય દિશાના રસ્તાઓ પર અડધું ધોરાજી સીટીમાં અને અડધું તાલુકા ક્ષેત્રમાં આવે છે. આ સૂચનને આવકારતા રેન્જ આઈજીએ સ્પષ્ટ કર્યું હતું કે, હદ વિસ્તરણનો નિર્ણય રાજ્ય સરકાર હસ્તક હોય છે, પરંતુ ધોરાજી નગરપાલિકાની હદ મુજબ સીટી પોલીસ સ્ટેશનની હદ ગણવામાં આવે તે માટે પોલીસ વિભાગ દ્વારા ગુજરાત સરકારમાં સકારાત્મક દરખાસ્ત મોકલવામાં આવશે.
રેન્જ વડાએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આઈજી રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં અને ગુનેગારો તેમજ અસામાજિક તત્વો સામે પોલીસ કડક હાથે કામગીરી કરશે. આ મુલાકાતમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ, સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ, તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર, ઉપલેટા અને ભાયાવદર પોલીસ સ્ટેશનના અરવિંદસિંહ જાડેજા તેમજ પાટણવાવ પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીએસઆઇ ધર્મેન્દ્ર રાખોલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
