<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

સાયલા પંથકમાં રાજકોટ રેન્જ DIGની ટીમની થોરીયાળી અને સુદામડામાં ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી

દરોડા દરમિયાન કરોડોની કિંમતના હિટાચી મશીનો અને ડમ્પરો જપ્ત: DIGની સીધી દખલગીરીથી ભૂમાફિયાઓમાં ફફડાટ:ફરાર આરોપીઓને પકડવા માટે તજવીજ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન પર આખરે રાજકોટ રેન્જ DIG ની ટીમે લાલ આંખ કરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલા આ દરોડામાં ભૂમાફિયાઓના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સાયલાના થોરીયાળી અને સુદામડા વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસ કાફલો ત્રાટકતા ખનીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

બિનઅધિકૃત રીતે ચાલતા ખનન સ્થળો પર તપાસ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. ખનીજ ચોરીના સ્થળેથી ગેરકાયદે ખનન માટે વપરાતા અત્યાધુનિક હિટાચી મશીનો અને ખનીજની હેરાફેરી માટે વપરાતા અનેક ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ સાધનો દ્વારા દરરોજ લાખો રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવતી હતી. જપ્ત કરાયેલા વાહનોની કિંમત કરોડોમાં અંકાય રહી છે, જેના કારણે ભૂમાફિયાઓના આર્થિક સામ્રાજ્ય પર મોટો ફટકો પડ્યો છે.

DIGની આ સીધી રેડના પગલે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે સ્થાનિક તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ કાળા કારોબાર પર રાજ્ય સ્તરની ટીમે દરોડા પાડતા અનેક રહસ્યો બહાર આવવાની શક્યતા છે. પોલીસ દ્વારા હાલમાં પકડાયેલા વાહનોના માલિકો અને ખનન પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધારોની શોધખોળ તેજ કરવામાં આવી છે.

આ દરોડમાં હજુ પણ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આસપાસના અન્ય વિસ્તારોમાં પણ તપાસના ચક્રો ગતિમાન  કરવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ રેડ દરમિયાન કેટલાક શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા છે, જેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે

(11:21 PM IST)