<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

મોરબીના રાજપરાના રાજાભાઇ પરમારનું વિરપરડા પાસે કુતરાને બચાવવા જતાં બાઇક સ્‍લીપ થતાં મોત

દિકરા સાથે હટાણુ કરી મોરબીથી પરત જતી વખતે બનાવઃ સારવારમાં રાજકોટમાં મૃત્‍યુ

 

રાજકોટ તા. ૩: મોરબીના રાજપરા ગામના વૃધ્‍ધનું વીરપરડા નજીક બાઇક સ્‍લીપ થઇ જતાં ઇજા થવાને કારણે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ વૃધ્‍ધ પુત્ર સાથે મોરબી હટાણુ કરવા ગયા હતાં. પરત રાજપરા કુંતાસી જતી વખતે બાઇકચાલક દિકરાએ એક વાહનની સાઇડ કાપતાં અચાનક કુતરૂ આવી જતાં તેને બચાવવાનો પ્રયાસ કરતાં બાઇક સ્‍લીપ થઇ જતાં પિતા-પુત્ર ફંગોળાઇ ગયા હતાં. જેમાં પુત્રનો બચાવ થયો હતો અને પિતાનું મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ રાજપરા કુંતાસી ગામે રહેતાં રાજાભાઇ સીદાભાઇ પરમાર (ઉ.વ.૬૨) ગત તા. ૩૦/૫ના રોજ પુત્ર સંજયભાઇ પરમારના બાઇક પાછળ બેસી મોરબી હટાણુ કરવા ગયા હતાં. પિતા-પુત્ર સાંજે આઠેક વાગ્‍યે પરત પોતાના ગામ જતાં હતાં ત્‍યારે વીરપરડાના પાટીયા પાસે સંજયભાઇએ એક બોલેરોને સાઇડ કાપતાં એ વખતે જ આગળ અચાનક એક કુતરૂ આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં સંજયભાઇએ બાઇકને જોરદાર બ્રેક લગાવી રોડ સાઇડમાં લેતાં બાઇક સ્‍લીપ થઇ ગયું હતું.

આ કારણે પિતા-પુત્ર બંને ફંગોળાઇ જતાં સંજયભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. જ્‍યારે પિતા રાજાભાઇને માથા, શરીરે ગંભીર ઇજાઓ થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર રાજાભાઇ છ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે હાલ નિવૃત જીવન જીવતાં હતાં. મોભીના મૃત્‍યુથી પરમાર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:05 AM IST)