તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ચોટીલાના મેવાસામાં ઉછીના આપેલા નાણા પાછા માંગતા રાજાભાઇ પર કુહાડીથી હુમલો
ગામના ધના મુંધવાને ત્રણ વર્ષ પહેલા ૩૦ હજાર આપ્યા હતાં: તે પાછા માંગતા ઉશ્કેરાઇને તૂટી પડયોઃ વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૯: પૈસાની લેતીદેતી મામલે મારામારીના બનાવ અવાર-નવાર બનતા હોય છે. દરમિયાન આવા જ એક બનાવમાં એક વૃધ્ધ પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. ચોટીલાના મેવાસા ગામે રહેતાં રાજાભાઇ અરજણભાઇ શીરોડીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ રાતે નવેક વાગ્યે વાડી વિસ્તારમાં હતાં ત્યારે ધના હમીરભાઇ મુંધવાએ ઝઘડો કરી કુહાડીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
રાજાભાઇ પાંચ ભાઇ અને પાંચ બહેનમાં નાના છે અને સંતાનમાં એક દિકરી તથા બે દિકરા છે. રાજાભાઇ પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા ધના મુંધવાને પૈસાની જરૂર હોઇ મારી પાસે ઉછીના પેટે માંગતા મેં તેને ગામના જ હોઇ અને પરીચીત હોઇ જેથી રૂા. ૩૦ હજાર હાથ ઉછીના આપ્યા હતાં.
થોડા સમયમાં જ પૈસા પાછા આપી દેશે તેવુ ધનાએ કહ્યું હતું. પરંતુ હું જ્યારે પણ ઉઘરાણી કરુ ત્યારે તે બહાના બતાવી દેતો હતો. આમ ને આમ ત્રણ વર્ષ વીતી ગયા છે. પણ આજ સુધી તેણે આ રકમ પાછી આપી નથી. ગત રાતે તે વાડી વિસ્તારમાં ભેગો થઇ જતાં મેં મારા નાણાની ઉઘરાણી કરતાં તે રોષે ભરાઇ ગયો હતો અને કુહાડીથી હુમલો કરી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસને જાણ કરી હતી.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
