<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો

બગદાણા અને ગળથર પંથકમાં વરસાદથી વાવણી લાયક વાતાવરણ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી

ભાવનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થવાની સાથે જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ થયો છે. શુક્રવારની બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું, જે બાદ હળવાથી ભારે વરસાદ શરૂ થયો હતો.

મહુવા ગ્રામ્યના પ્રખ્યાત યાત્રાધામ બગદાણા, મોણપર, ગળથર અને માતલપર સહિતના આસપાસના તમામ ગામોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ સતત બીજા દિવસે વરસાદ પડતાં સમગ્ર પંથકના વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

સતત બીજા દિવસે પડેલા આ વરસાદના કારણે ખેતરોમાં વાવણી માટેનું એકદમ અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. મહુવા પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં જ જગતના તાત એવા ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતો હવે જોરશોરથી ખરીફ પાકની વાવણીના કામકાજમાં જોતરાઈ ગયા છે. આ વરસાદ બાદ ખેડૂતોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.

(7:47 PM IST)