<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

જૂનાગઢ પરિક્રમા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે રેલવેની વિશેષ ભેટ : રાજકોટ અને જૂનાગઢ વચ્ચે દોડશે બે જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો

૧૮ થી ૨૬ નવેમ્બર દરમિયાન નિર્ધારિત દિવસોમાં ચાલનારી આ વિશેષ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે : રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાએ આપી વિગતો

રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢ ખાતે યોજાનારા સુપ્રસિદ્ધ લીલી પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને ધસારાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સુવિધા સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનોનું સંચાલન આગામી ૧૮ થી ૨૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન નિયત તારીખો પર કરવામાં આવશે.

ટ્રેન સંખ્યા ૦૯૬૦૪ / ૦૯૬૦૩ (દિનચર્યા સ્પેશિયલ):
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, પ્રથમ જોડી અંતર્ગત ટ્રેન સંખ્યા ૦૯૬૦૪ રાજકોટથી સવારે ૧૦:૨૫ વાગ્યે ઉપડીને બપોરે ૧૩:૦૦ વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતા પ્રવાસમાં ટ્રેન સંખ્યા ૦૯૬૦૩ જૂનાગઢથી બપોરે ૧૩:૪૦ વાગ્યે રવાના થઈને સાંજે ૧૭:૦૫ વાગ્યે રાજકોટ પરત ફરશે. આ ટ્રેન ૧૮ થી ૨૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન (જેમાં ૨૦ અને ૨૪ નવેમ્બર સિવાયના દિવસોમાં) દરરોજ દોડશે.
ટ્રેન સંખ્યા ૦૯૬૦૬ / ૦૯૬૦૫ (રાત્રિ સમયની સ્પેશિયલ)
બીજી જોડી અંતર્ગત ટ્રેન સંખ્યા ૦૯૬૦૬ રાજકોટથી રાત્રે ૨૩:૩૦ વાગ્યે ઉપડીને બીજા દિવસે મધ્યરાત્રિએ ૦૨:૪૫ વાગ્યે જૂનાગઢ પહોંચશે. જ્યારે પરત ફરતી વખતે ટ્રેન સંખ્યા ૦૯૬૦૫ જૂનાગઢથી સવારે ૦૪:૨૫ વાગ્યે ઉપડીને સવારે ૦૬:૫૫ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ૧૮ થી ૨૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન (જેમાં ૧૯ અને ૨૩ નવેમ્બર સિવાયના દિવસોમાં) નિયમિતપણે દોડાવવામાં આવશે.

આ મુખ્ય સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ અને સામાન્ય સૂચનાઓ:
આ બંને જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો બંને દિશામાં પ્રવાસ દરમિયાન ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાણ કરશે. મુસાફરોની સુગમતા માટે આ તમામ મેળા સ્પેશિયલ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રાખવામાં આવી છે. ટ્રેનોના સમયપત્રક, સ્ટોપેજ અને અન્ય ચોક્કસ વિગતો મેળવવા માટે મુસાફરો ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા એનટીઈએસ (NTES) એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે તેમ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જનસંપર્ક કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.

(12:21 AM IST)