તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી કલ્યાણપુરના માળીગામ ગૌચરમાં દરોડો : PI અપૂર્વ પટેલ અને PSI સી.એમ.કાંટેલીયાની ટીમે રૂ. 24 લાખનો મુદ્દામાલ ઝડપ્યો : જુઓ વિડીયો
ગેરકાયદેસર ખનીજ ખનન કરતા કસુરદાર આવળદાન નાગજીભાઈ ગઢવીની અટકાયત : પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા અને ખાણ-ખનીજ વિભાગે જેસીબી તથા 3 ટ્રેક્ટર સીઝ કર્યા

કલ્યાણપુર:દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માળીગામની ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા તત્વો પર રાજકોટ રેન્જની ટીમે લાલ આંખ કરી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવાની કડક સૂચના આપવામાં આવી હતી. આ આદેશ અન્વયે રાજકોટ રેન્જ પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને વર્કઆઉટના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચોક્કસ બાતમીના આધારે રેઇડ:
પીએસઆઈ સી.એમ.કાંટેલીયા અને સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, મિતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારીને ચોક્કસ હકીકત મળી હતી કે માળીગામની ગૌચરની જમીનમાંથી અમુક ઈસમો ગેરકાયદેસર રીતે મોરમ માટીનું ખનન કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દરોડો પાડ્યો હતો.
રૂ. 24 લાખનો મુદ્દામાલ જપ્ત:
ઘટનાસ્થળે તપાસ કરતા પોલીસને ખનીજ ચોરીમાં વપરાતા વાહનો મળી આવ્યા હતા. જેમાં (1) જેસીબી રજી. નં. GJ-37-50300, (2) રજીસ્ટ્રેશન નંબર વગરનું ટ્રેક્ટર ટ્રોલી સહિત, (3) ટ્રેક્ટર ટ્રોલી સહિત રજી. નં. GJ-23-CF-6752 અને (4) ટ્રેક્ટર ટ્રોલી સહિત રજી. નં. GJ-37-J-2970 તથા ટ્રોલી નં. GJ-37-T-6071 મળી કુલ રૂપિયા 24,00,000/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ પંચરોજકામ કરી જગ્યાની જરૂરી માપણી હાથ ધરી હતી.
આરોપીની અટકાયત અને કાર્યવાહી:
સ્થળ પરથી હાજર મળી આવેલ કસુરદાર આવળદાન નાગજીભાઈ જામ (જાતે ગઢવી, રહે. કનકપર, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા) ની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ અને આરોપીને કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે, જ્યાં આગળની કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રેન્જ પોલીસની આ સફળ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
