તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
કચ્છના કોઠારા બાલાજી મંદિર ખાતે પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસનો ભક્તિભાવ પૂર્વક શુભારંભ થયો, ભગવાનને વિશેષ શણગાર અને નવા વાઘા અર્પણ કરાયા
કચ્છના મંદિર પરિસરમાં 17 મેથી 15 જૂન સુધી દરરોજ સવાર-સાંજ શણગાર, કથા-પારાયણ, ભજન-કીર્તન અને મહાપ્રસાદનું આયોજન, કચ્છ સહિતના વિસ્તારોમાંથી ઉમટે છે મોટી સંખ્યામાં ભાવિકો

ભુજ : કચ્છના કોઠારા સ્થિત પ્રસિદ્ધ બાલાજી મંદિર ખાતે પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસનો ભક્તિભાવ પૂર્વક પ્રારંભ થયો હતો. આ પાવન માસ દરમિયાન ભગવાનની વિશેષ સેવા-પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે રવિવારના રોજ વહેલી સવારે મંગળા આરતી બાદ મંદિરના પૂજારી દ્વારા વેદ મંત્રોચ્ચાર સાથે પુરુષોત્તમ માસના પ્રથમ દિવસની શાસ્ત્રોક્ત પૂજા કરવામાં આવી હતી. બાલાજી ભગવાનને વિશેષ શણગાર, નવા વાઘા અને વિવિધ પ્રકારના ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
કચ્છના આ મંદિર પરિસરમાં સમગ્ર અધિક માસ દરમિયાન દરરોજ સવાર-સાંજ ભગવાનના વિશેષ શણગાર, કથા-પારાયણ, ભજન-કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. પુરુષોત્તમ માસમાં કરવામાં આવતું દાન, જપ અને સેવાનું વિશેષ મહાત્મ્ય હોવાથી કચ્છ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે.
મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવાયું કે અધિક માસ ભગવાન વિષ્ણુને અતિપ્રિય હોવાથી આ માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિનું અનેક ગણું ફળ મળે છે. ભક્તોની સુવિધા માટે કચ્છના આ મંદિરમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પુરુષોત્તમ માસ તા. 17 મે થી 15 જૂન 2026 સુધી રહેશે. આ દરમિયાન દરરોજ સાંજે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવશે.તેમ નરેન્દ્રભાઈ ગોરની યાદીમાં જણાવાયું છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
