<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

'પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષા કરવાથી પરિણામ ચોક્કસ પ્રગટ થશે' - સણોસરા લોકભારતી ખાતે પ્રાર્થનાસભામાં પૂ. મોરારિબાપુનો ચિંતન સંદેશો

પ્રાર્થના વિનાના સેવાકાર્યમાં અહંકાર આવવાની શક્યતા રહેલી છે : ગાંધીજીનું સ્મરણ કરી પૂ. બાપુએ યુવાનોને કેન્દ્રમાં રાખીને આપ્યો પ્રેરણાદાયી સંદેશ

સણોસરા:ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે રાત્રી મુકામ દરમિયાન યોજાયેલી પ્રાર્થનાસભામાં પૂ. મોરારિબાપુએ વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ ચિંતન સંદેશો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષા રાખવાથી ઇચ્છિત પરિણામ ચોક્કસ પ્રગટ થાય છે.

પ્રાર્થનાસભામાં શ્રોતાઓને સંબોધતા પૂ. મોરારિબાપુએ ઉમેર્યું હતું કે યુવાનો સાથે સંવાદ કરવો અને તેમની સાથે વાતચીત કરવી તે તેમનું કાયમી લક્ષ્ય રહ્યું છે. પોતાના ચિંતન પ્રવચન દરમિયાન તેમણે રામચરિતમાનસના પ્રસંગોનો ઉલ્લેખ કરવાની સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ભાવપૂર્વક સ્મરણ કર્યું હતું. તેમણે ગાંધીજીનો સંદેશો આપતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો સેવાકાર્યમાં પ્રાર્થના ન હોય તો તેમાં અહંકાર આવી જવાની પૂરતી શક્યતા રહેલી છે, તેથી પ્રાર્થના સેવા આપણી અંદર નમ્રતા ટકાવી રાખે છે.

આ પાવન પ્રાર્થનાસભા પ્રારંભે સંસ્થા પરિવારના ભૌતિકભાઈ લીંબાણી, અનુજભાઈ રામકબીર, ગૌતમભાઈ વિરાસ અને ક્રિષ્નાબેન બારૈયા દ્વારા સંગીત ટુકડીના સાથ સાથે મધુર પ્રાર્થના ગાન રજૂ કરવામાં આવ્યું હતું. પૂ. મોરારિબાપુના આ પ્રેરણાદાયી સંદેશથી લોકભારતી પરિવાર અને વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ વ્યાપી ગયો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:47 PM IST)