તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ખેડૂત દીઠ ૪૦૦૦ કિ.ગ્રા. મગફળી-સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરો અને રજીસ્ટ્રેશનમાં પ્રતિનિધિ માન્ય રાખો : વિનુભાઈ હપાણી
વિસાવદર યાર્ડનાં ચેરમેનની કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ રજૂઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : ઓછા વરસાદના લીધે જગતના તાત પર કુદરતી આફત આવી પડી છે ત્યારે ખેડૂતોને રાહત આપવા ખેડૂત દીઠ ૪૦૦૦ કિ.ગ્રા. મગફળી-સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા અને રજીસ્ટ્રેશનમાં પ્રતિનિધિ માન્ય રાખવા વિસાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિનુભાઈ હપાણીએ માંગણી કરી છે.
ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં ઓછો વરસાદ થવાના કારણે ખેડૂતો ભારે આર્થિક સંકટ અને કુદરતી મારનો સામનો કરી રહ્યા છે. આવા કપરા સમયમાં જગતના તાતને મોટો આર્થિક સપોર્ટ અને રાહત મળી રહે તે માટે વિસાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તેમજ વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના પ્રમુખ વિનુભાઇ હપાણીએ રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીને એક પત્ર પાઠવી ખેડૂતહિતની રજૂઆત કરવામાં આવી છે.
મુખ્ય માંગણીઓ અને રજૂઆતના મહત્વના મુદ્દાઓ:
(૧) ખેડૂત દીઠ ૪૦૦૦ કિ.ગ્રા. ખરીદીની માંગ: રાજ્ય સરકાર દ્વારા હાલમાં મગફળી, સોયાબીન અને કઠોળની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે ઓછો વરસાદ હોવાથી ખેડૂતોને થયેલ નુકસાન સામે મોટી રાહત મળે તે હેતુથી, અગાઉના વર્ષોની જેમ જ એક ખેડૂત દીઠ ૪૦૦૦ કિ.ગ્રા. (૪ ટન) મગફળી તેમજ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી મજબૂત માંગણી કરવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
(૨) રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ખેડૂતના પ્રતિનિધિ (નોમિની) ને મંજૂરી:
હાલ ટેકાના ભાવના રજીસ્ટ્રેશનમાં ખેડૂત પોતે રૂબરૂ આવીને બાયોમેટ્રિક થમ્બ (અંગુઠો) આપે તે ફરજીયાત બનાવવામાં આવ્યું છે. પરંતુ નબળા વર્ષના કારણે અનેક ખેડૂતો રોજીરોટી માટે સુરત, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સ્થાયી થયેલા છે. આવા ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે ગામડે આવવા-જવામાં મોટો ખર્ચ થાય છે અને ભારે તકલીફ પડે છે.
આથી, ગત વર્ષની જેમ જ ખેડૂત જે વ્યક્તિને નોમિનેટ કરે (અધિકૃત પ્રતિનિધિ બનાવે), તે પ્રતિનિધિ દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકાય તેવી સગવડતા અને વ્યવસ્થા કરી આપવા પત્રમાં ખાસ વિનંતી કરવામાં આવી છે.
વિનુભાઈ હપાણીએ આશા વ્યક્ત કરી છે કે રાજ્યના સંવેદનશીલ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખેડૂતોના વ્યાપક હિતમાં આ બંને રજૂઆતો પર સત્વરે સકારાત્મક નિર્ણય લેશે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
