<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

પંજાબી સિંગર દિલજીત દોશાંઝ ધોરડોના સફેદ રણ બાદ કચ્છના જાણીતા રોડ ટુ હેવન પર પહોંચ્યા

નયનરમ્ય નજારાઓથી મંત્રમુગ્ધ થયા :કુદરતી સૌંદર્ય વચ્ચે ફોટોગ્રાફી કરતા દિલજીતની તસવીરો વાયરલ થતા ચાહકોમાં ભારે ઉત્સાહ :સોશિયલ મીડિયા પર તેમની મુલાકાતની જોરદાર ચર્ચા જામી

પંજાબી સુપરસ્ટાર ગાયક અને અભિનેતા દિલજીત દોશાંઝ હાલ કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. દેશ-વિદેશમાં પોતાની ગાયકી અને અભિનયથી લાખો ચાહકોના દિલ જીતનાર દિલજીત કચ્છના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળોની સફર માણી રહ્યા છે. ધોરડોના સફેદ રણની મુલાકાત લીધા બાદ હવે તેઓ કચ્છના અત્યંત આકર્ષક સ્થળ એવા 'રોડ ટુ હેવન' ખાતે પહોંચ્યા હતા.

 

કચ્છનું 'રોડ ટુ હેવન' તેની અદ્ભુત ભૌગોલિક રચના અને નયનરમ્ય દ્રશ્યો માટે જાણીતું છે. આ સ્થળના કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણથી દિલજીત દોશાંઝ ખાસ્સા પ્રભાવિત થયા હતા. તેમણે રોડ ટુ હેવન પર સમય વિતાવ્યો હતો અને આસપાસના મનમોહક નજારાઓ વચ્ચે ફોટોગ્રાફી પણ કરી હતી. કુદરતી સૌંદર્ય વચ્ચે પોઝ આપતા અને ફોટા પડાવતા સુપરસ્ટારની ઝલક જોવા મળી હતી.

 

 

દિલજીત દોશાંઝની કચ્છ મુલાકાતને લઈને તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છના પ્રવાસન સ્થળો પર તેમની હાજરીના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર દિલજીતની કચ્છ મુલાકાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ચાહકો પોતાના પ્રિય કલાકારને ગુજરાતના આ અનોખા પ્રવાસન સ્થળો પર જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

 

 

છેલ્લા કેટલાક સમયથી કચ્છના વિવિધ પ્રવાસન સ્થળો બોલિવૂડ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓની પહેલી પસંદ બની રહ્યા છે. સફેદ રણ સહિતના સ્થળોએ દેશ-વિદેશમાંથી પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે, ત્યારે દિલજીત દોશાંઝ જેવા મોટા સ્ટારની મુલાકાતથી કચ્છના પ્રવાસનની લોકપ્રિયતામાં વધુ વધારો થઈ રહ્યો છે.

(7:06 PM IST)