<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

કચ્છના સરહદી ગામોમાં સરહદના સંત્રીઓની જનસેવાલક્ષી પહેલ: BSF દ્વારા છ સરકારી શાળાઓને 5 લાખના સાધનોની સહાય

90મી બટાલિયન દ્વારા રમતગમતની સામગ્રી અને શૈક્ષણિક સુવિધાઓનું વિતરણ; કમાન્ડન્ટ વિજય કુમાર સહિત મહાનુભાવો અને ગ્રામજનો રહ્યા ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા )ભુજ તા.૧૫ :  સીમા સુરક્ષા દળ (BSF)ની 90મી બટાલિયન દ્વારા ધોરડો ગામની સરકારી પ્રાથમિક શાળામાં વર્ષ 2026–27ના નાગરિક કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરહદી વિસ્તારની છ સરકારી શાળાઓને આશરે રૂ. 5 લાખની કિંમતની રમતગમતની સામગ્રી અને આવશ્યક સુવિધાઓનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં 90મી બટાલિયન BSF, ભુજના કમાન્ડન્ટ શ્રી વિજય કુમાર, ‘E’ કંપનીના કાર્યકારી કંપની કમાન્ડર નિરીક્ષક મોયાંગર તથા UGCના નિરીક્ષક (G) મનોજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. ધોરડોના સરપંચ મિયા હુસૈન, પીઆઈ તેજલ, ગોરેવાળીના ઉપસરપંચ હમીદ અલીભાઈ, પટગરના ઉપસરપંચ મોહમ્મદ મકબૂલ હાજી ફતેહ, સાનિયાડોના સભ્ય હમીદભાઈ, એગ્રોસેલના GM નિલેશજી અને તુષાર જાની સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

ધોરડો, પન્નાવરી, ગોરેવાલી-૨, ગોરેવાલી ગ્રુપ શાળા (ધોરણ 1થી 8), ઉડમા અને અધિયાંગની શાળાઓને વોટર કૂલર, RO વોટર પ્યુરિફાયર, ફૂટબોલ, વૉલીબૉલ, ક્રિકેટ અને બેડમિન્ટનની સામગ્રી, કેરમ બોર્ડ, ખુરશીઓ, ટેબલો, સ્ટીલની અલમારીઓ તથા કચરાપેટીઓ આપવામાં આવી હતી.

આ પ્રસંગે કમાન્ડન્ટ વિજય કુમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શિક્ષણ અને રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ સાથે સ્થાનિક નાગરિકોનો વિશ્વાસ મજબૂત બનાવવો BSFની પ્રાથમિકતાઓમાં સામેલ છે. અધિકારીઓએ ગ્રામજનોને કોઈ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિની જાણ તાત્કાલિક નજીકની BSF છાવણી અથવા જવાનોને કરવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં આશરે 200 વિદ્યાર્થીઓ અને શિક્ષકો, 110 ગ્રામજનો તથા BSFના 40 જવાનો મળી કુલ આશરે 350 લોકો જોડાયા હતા. સ્થાનિક લોકોએ BSFની આ જનકલ્યાણલક્ષી પહેલને આવકારી હતી.

(9:34 AM IST)