તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
જામનગર જિલ્લાના સચાણા ગામે જાહેર રસ્તા પર દબાણ: ગ્રામ પંચાયતે દૂર કરવા જિલ્લા તંત્રને કરી લેખિત રજૂઆત
રાજાશાહી સમયનો 23 ફૂટનો રસ્તો દબાણથી 5 ફૂટનો થઈ ગયો, ટ્રેક્ટર-ટ્રકની અવરજવર બંધ; ગાડા માર્ગ પણ 4 ફૂટનો રહ્યો, સરપંચે માપણી કરી મૂળ પહોળાઈ ખુલ્લી કરવા માંગ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 13
જામનગર તાલુકાના સચાણા ગામમાં વર્ષોથી ઉપયોગમાં રહેલા રાજાશાહી સમયના જાહેર રસ્તાઓ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ સાથે સચાણા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી તથા મામલતદારને કરાયેલ રજૂઆતમાં જણાવાયું છે કે સચાણા ગામે મેઈન ડામર રોડથી ખીજડીયા તરફ જતો આશરે 23 ફૂટ પહોળો જાહેર રસ્તો કેટલાક લોકોના દબાણને કારણે સંકોચાઈ હાલ માત્ર 5 થી 6 ફૂટ જેટલો રહી ગયો છે. જેના કારણે ટ્રેક્ટર, ટ્રક સહિતના વાહનોની અવરજવર મુશ્કેલ બની ગઈ છે.
તે ઉપરાંત ગ્રામ પંચાયત કચેરી પાછળથી પાંચા બાપા મંદિર તરફ જતો ગાડા માર્ગ ઉપર પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા અગાઉનો વિશાળ રસ્તો હાલ માત્ર ચાર ફૂટ જેટલો રહી ગયો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આ દબાણોને કારણે ગામજનોને દૈનિક અવરજવર તેમજ ખેતીવાડી સંબંધિત કાર્યોમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનું ગ્રામ પંચાયતે જણાવ્યું છે.
સચાણા ગ્રામ પંચાયત દ્વારા બંને જાહેર રસ્તાઓનું માપણી કામ કરાવી મૂળ પહોળાઈ મુજબ પુનઃ ખુલ્લા કરાવવા, ગેરકાયદેસર દબાણ દૂર કરવા તથા જવાબદારો સામે જરૂરી કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ રજૂઆત સરપંચ સારાબેન અકબર કકલ તથા ઉપસરપંચ હાસમભાઈ જાનમામદભાઈ લાખાના હસ્તાક્ષરથી કરવામાં આવી છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
