તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
જામનગરના સત્યનારાયણ મંદિર રોડ વિસ્તારની હાથી શેરીમાં જાહેર રસ્તા પર ગેરકાયદેસર લોખંડનો ગેઇટ મૂકી દેતા 500થી વધુ પરિવારોની અવરજવર ઠપ: ઇમરજન્સીમાં પણ મુશ્કેલી : જુઓ વિડિયો
બે મહિનાથી અડધો ગેઇટ કાયમી બંધ રાખી માત્ર ટુ-વ્હીલર પસાર થાય તેટલી જ જગ્યા: સ્પીડ બ્રેકર સાથે ગેઇટના કારણે રોજિંદા અકસ્માતો, રાત્રે દર્દીઓને હોસ્પિટલ લઇ જવામાં ભારે હાલાકી, સ્થાનિકોનો મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સામે ઉગ્ર રોષ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૬ : જામનગર શહેરના સત્યનારાયણ મંદિર રોડ પર આવેલી હાથી શેરી વિસ્તારમાં જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે લોખંડનો ગેઇટ મૂકી દેવાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ શેરીમાં 500થી વધુ લોકો વસવાટ કરે છે અને તેમની અવરજવર માટે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે. છેલ્લા બે મહિનાથી કોઈ વ્યક્તિ દ્વારા રસ્તાની વચ્ચે ગેઇટ ખડકી દેવાતા શેરીનો મુખ્ય રસ્તો લગભગ બંધ જેવી સ્થિતિમાં મુકાઈ ગયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગેઇટનો અડધો ભાગ કાયમ માટે બંધ રાખવામાં આવે છે. જેના કારણે બાજુમાંથી માંડ એક ટુ-વ્હીલર પસાર થઈ શકે એટલી જ જગ્યા બચે છે. વળી ગેઇટ પાસે સ્પીડ બ્રેકર પણ બનાવી દેવાયું છે. આ કારણે અનેક વખત ટુ-વ્હીલર ચાલકો ગેઇટ સાથે અથડાઈ પડે છે અને અકસ્માત સર્જાય છે. રાત્રિના સમયે અને ઇમરજન્સી સંજોગોમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
શહેરના મુખ્ય વિસ્તારમાં જાહેર રસ્તા પર આ રીતે ગેરકાયદે આડઅવરોધ ઉભો કરાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે જાહેર માર્ગ હોવા છતાં કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા મનમાની રીતે ગેઇટ મૂકી દેવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
આ સમસ્યાને લઈને સ્થાનિકોએ જામનગર મહાનગરપાલિકા તંત્ર, પોલીસ વિભાગ તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરવા માંગ કરી છે. રહીશોએ ગેરકાયદે ઉભો કરાયેલો ગેઇટ તાત્કાલિક દૂર કરીને જાહેર રસ્તો ફરીથી ખુલ્લો કરાવવાની જોરદાર માંગ ઉઠાવી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
