<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

સાવરકુંડલામાં રોડના કામથી જનતા ત્રસ્‍તઃ દિવસમાં ૪ વખત ટ્રાફિક જામ

મહુવા રોડ અને જૂના બસ સ્‍ટેન્‍ડના રોડનું કામ ‘ગોકુળ ગાયની ગતિએ', કોંગ્રેસના આગેવાનો કોન્‍ટ્રાક્‍ટરને કડક સૂચના આપે તેવી લોકમાંગ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૬: શહેરના મુખ્‍ય માર્ગો પર ચાલતા રોડ-રસ્‍તાના કામની અતિ ધીમી ગતિને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે. મહુવા રોડ અને જૂના બસ સ્‍ટેન્‍ડના રોડનું કામ અત્‍યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી દિવસમાં ૨થી ૪ વખત ટ્રાફિક જામની સ્‍થિતિ સર્જાય છે.

મહુવા રોડ શહેરનો મુખ્‍ય માર્ગ ગણાય છે. આ રોડ પર સવારથી સાંજ સુધી હજારો વાહનોની અવરજવર રહે છે. હાલ આ રોડનું કામ ચાલુ હોવા છતાં કામગીરી કાચબાની ગતિએ થતી હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને દર્દીઓને લઈ જતી એમ્‍બ્‍યુલન્‍સ પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે.

આવી જ સ્‍થિતિ જૂના બસ સ્‍ટેન્‍ડના રોડની છે. ત્‍યાં પણ કામ અતિ ધીમું હોવાથી વેપારીઓ અને રાહદારીઓ પરેશાન છે. ધંધા-રોજગાર પર પણ અસર પડી રહી છે. જનતાની સમસ્‍યાનો ઉકેલ લાવવા કોંગ્રેસના જવાબદાર આગેવાનોએ તાત્‍કાલિક ધ્‍યાન આપવું જોઈએ. કોન્‍ટ્રાક્‍ટરને કડક સૂચના આપીને યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરાવવામાં આવે. જો કામમાં વધુ વિલંબ થશે તો જનતા આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી પણ ઉઠી છે. ‘રોડ-રસ્‍તા પ્રજાની સુવિધા માટે છે, તકલીફ માટે નહીં. તંત્ર જાગે અને કામ ઝડપથી પૂર્ણ કરાવ' એવી લાગણી શહેરીજનોમાં પ્રબળ બની છે.

(1:19 PM IST)