તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
ક્ચ્છ નાં વાયોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ગાયત્રી મંદિર ગેટ પાસે રૂ. ૪૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા : એસીબીની સફળ ટ્રેપથી પોલીસ બેડામાં ફફડાટ
જાગૃત નાગરિકની ફરિયાદ પર નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.બી.ચૌધરી અને ટીમે છટકું ગોઠવ્યું : ફેક્ટરી ચાલુ રાખવા અને હેરાન ન કરવા માટે પીએસઆઈએ રૂ. ૫૦,૦૦૦ની માંગણી કરી હતી : લાંચની રકમ લઈ નાસવા જતાં રંગેહાથ પકડાયા

રાજકોટ, તા. ૭ જુલાઈ, ૨૦૨૬: કચ્છ જિલ્લામાં સરકારી બાબુઓ અને પોલીસ અધિકારીઓમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે. પશ્ચિમ-કચ્છ ભુજના વાયોર પોલીસ સ્ટેશનમાં વર્ગ-૦૩ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તરીકે ફરજ બજાવતા ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ગઈકાલે તારીખ ૬ જુલાઈ, ૨૦૨૬ ના રોજ ભુજના ગાયત્રી મંદિરના ગેટ પાસે રોડ પર ફરિયાદી પાસેથી રૂપિયા ૪૦,૦૦૦ની ગેરકાયદેસર લાંચ સ્વીકારતા એસીબીની સફળ ટ્રેપમાં આબાદ ઝડપાઈ ગયા છે.
ફેક્ટરી ચાલુ રાખવાના હપ્તા પેટે પીએસઆઈએ રૂ. ૫૦,૦૦૦ માંગ્યા હતા:
આ ગુનાની ટૂંકી વિગત એવી છે કે આ કામના ફરિયાદી વિરુદ્ધ વાયોર પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસ અંતર્ગત ફરિયાદીને હેરાન પરેશાન નહીં કરવા માટે તેમજ ફરિયાદીની ફેક્ટરીને નિયમિત રીતે ચાલુ રાખવા દેવાના હપ્તા પેટે આરોપી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્દ્રવિજયસિંહ ગોહિલે ફરિયાદી પાસે રૂપિયા ૫૦,૦૦૦ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના નાણાં આપવા બિલકુલ માંગતા ન હોવાથી, તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ તેઓએ ગાંધીધામ એસીબી પોલીસ સ્ટેશન ખાતે આવીને આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
રકઝકના અંતે રૂ. ૪૦,૦૦૦ સ્વીકારી નાસવા જતાં પીએસઆઈ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ આબાદ ભેરવાયા:
ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા લાંચના છટકાનું ચોક્કસ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મુજબ ભુજના ગાયત્રી મંદિરના ગેટ પાસે રોડ પર ફરિયાદી અને આરોપી પીએસઆઈ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વચ્ચે હેતુલક્ષી વાતચીત થઈ હતી. લાંબી રકઝકના અંતે આરોપી પીએસઆઈ રૂપિયા ૪૦,૦૦૦ની લાંચની રકમ સ્વીકારવા તૈયાર થયા હતા. ફરિયાદી પાસેથી રૂપિયા ૪૦,૦૦૦ની ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકાર્યા બાદ આરોપી પોલીસ અધિકારીને કોઈ પ્રકારનો શક-વહેમ ગયો હતો, જેથી તેઓ સ્થળ પરથી લાંચના નાણાં લઈને નાસી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ એસીબીની ટીમે તકેદારી પૂર્વક તેમને ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.
ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝન હેઠળ એસીબી ટીમની મોટી સફળતા:
લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની આ સફળ ટ્રેપની કાર્યવાહી લાંચ રુશ્વત વિરોધી બ્યુરો રાજકોટના ઇન્ચાર્જ અધિકારી અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ભુજ બોર્ડર એકમના એસીબી મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ટ્રેપ કરનાર મુખ્ય અધિકારી તરીકે કચ્છ (પૂર્વ) એસીબી પોલીસ સ્ટેશન ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.ચૌધરી તથા તેમની એસીબીની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડીને ભ્રષ્ટ સોદાગરને કાયદાના સિંજામાં લીધા છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
