<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

જામનગરમાં કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર-૪માં લોકશાહી અને બંધારણ બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન : મહિલાઓએ વાસણ વગાડી નોંધાવ્યો વિરોધ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધનના દિલ્હી રામલીલા મેદાનના આંદોલનને સમર્થન આપવા નવાગામ ઘેડમાં કોંગી કાર્યકરો રસ્તા પર ઉતર્યા

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : જામનગર શહેર કોંગ્રેસ અને સેવાદળના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર-૪ માં આવેલ નવાગામ ઘેડ વિસ્તારમાં 'લોકશાહી અને બંધારણ બચાવો'ના નારા સાથે એક વિશેષ વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક મહિલાઓએ થાળીઓ અને વાસણો વગાડીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને સત્તાધારી પક્ષ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. કોંગ્રેસે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, દેશની સૌથી મોટી લોકશાહીમાં દરેક નાગરિકને મત આપવાનો પવિત્ર બંધારણીય અધિકાર છે, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સત્તાધારી પાર્ટી સાથે મિલીભગત કરીને લોકોના મતોની ચોરી કરી છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે રાહુલ ગાંધી અને ઈન્ડિયા (INDIA) ગઠબંધન દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જામનગરથી જે કોંગી કાર્યકરો અને સમર્થકો દિલ્હી પહોંચી શક્યા ન હતા, તેમણે સ્થાનિક કક્ષાએ જામનગરમાં આ વિશેષ આયોજન કરીને રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધનના આંદોલનને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.

કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહીનું જતન કરવા અને બંધારણની ગરિમા બચાવવા માટે જ્ઞાનેશ કુમારે પોતાના હોદ્દા પરથી તુરંત રાજીનામું આપવું જોઈએ. લોકોના મતાધિકારના રક્ષણ માટે જામનગર કોંગ્રેસ આગામી દિવસોમાં પણ લડત ચાલુ રાખશે. (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(1:06 PM IST)