<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

કોર્ટના હુકમથી ભુજમાં નાયબ કલેક્ટર અને જમીન સંપાદન અધિકારીની કચેરીની મિલકતો જપ્ત કરાતાં ખળભળાટ

કોર્ટના આદેશનું ઉલ્લંઘન ભારે પડ્યું, જમીન સંપાદનના વધારાના વળતરની રકમ નહીં ચૂકવાતાં કોર્ટ દ્વારા જપ્તી વોરંટ ઇશ્યૂ; ડિફેન્સ એસ્ટેટ ઓફિસરને પણ વળતરનો હુકમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૦ : જમીન સંપાદનના વધારાના વળતરની રકમ ચૂકવવામાં નહીં આવતાં ભુજના નાયબ કલેક્ટર અને જમીન સંપાદન અધિકારીની કચેરીની તમામ મિલકતો જપ્ત કરવામાં આવી છે. આ અંગે સિનિયર સિવિલ જજ, ભુજ-કચ્છ દ્વારા જપ્તી વોરંટ ઇશ્યૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, વર્ષ ૧૯૯૧ થી ભુજના માધાપર વિસ્તારમાં સંરક્ષણ હેતુ માટે કે.એલ.પી. યુનિટ માટે સંપાદન કરવામાં આવેલી જમીનના વધારાના વળતર માટે અરજદારો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૯૮ જૂના રેફરન્સ કેસ નં. ૧૨/૯૮ તથા નવા લેન્ડ એક્વિઝિશન રેફરન્સ કેસ નં. ૧૨/૨૦૦૩ તેમજ ૧૪/૯૮ અને ૧૪/૨૦૦૩ના અરજદારો કિશોરભાઈ વી. ઠક્કર દ્વારા પ્રથમ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ભુજમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સંબંધિત કેસો ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ભુજમાંથી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તા. ૨૭/૨/૨૦૧૮ના રોજ અરજદારોની લેન્ડ એક્વિઝિશન રેફરન્સ કેસની અરજી અંશતઃ મંજૂર કરવામાં આવી હતી. અરજદારોને વધુ વળતર ચૂકવવા માટે ગુજરાત સરકાર તથા ડિફેન્સ એસ્ટેટ ઓફિસર, ગુજરાત સર્કલ, અમદાવાદ વિરુદ્ધ હુકમ કરવામાં આવ્યો હતો.

આ હુકમ મુજબ ગુજરાત સરકાર વતી જમીન સંપાદન અધિકારી અને નાયબ કલેક્ટર, ભુજ તથા ડિફેન્સ એસ્ટેટ ઓફિસર, ગુજરાત સર્કલ, અમદાવાદને વધુ વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટના હુકમનું પાલન કરવામાં આવ્યું ન હતું અને અરજદારોને વળતરની રકમ મળી ન હતી.

આથી અરજદારો દ્વારા તામિલ દરખાસ્ત નં. ૫/૨૦૨૩ તથા ૬/૨૦૨૩ દાખલ કરવામાં આવી હતી. આ દરખાસ્તોમાં જમીન સંપાદન અધિકારી અને નાયબ કલેક્ટર, ભુજ તથા ભારત સરકારના ડિફેન્સ એસ્ટેટ ઓફિસર, અમદાવાદ સામે વળતરની રકમ મેળવવા કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમ્યાન તામીલનો અમલ ન થતાં વળતરની રકમ ન મળતાં સિનિયર સિવિલ જજ, ભુજ-કચ્છ દ્વારા જમીન સંપાદન અધિકારી અને નાયબ કલેક્ટર, ભુજની કચેરી સામે જપ્તી વોરંટ ઇશ્યૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ મુજબ નાયબ કલેક્ટર તથા જમીન સંપાદન અધિકારીની કચેરીની તમામ મિલકતો જપ્ત કરવામાં આવી છે.

આ કેસમાં અરજદારો તરફથી એડવોકેટ અતુલ નેમચંદ મહેતા હાજર રહ્યા હતા.

(9:20 AM IST)