<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

'ગુણોનો સદુપયોગ એ જ ગુણ, દુરુપયોગ એ જ દોષ' : લોકભારતી વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં પૂ. મોરારિબાપુના આશીર્વચન : જુઓ વિડીયો

ગાંધી જયંતીના પવિત્ર પર્વે સણોસરા ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેનું દીક્ષાંત ઉદ્બોધન : વિશિષ્ટ પારિતોષિકો એનાયત કરાયા અને પૂર્વકુલપતિઓનું સન્માન કરાયું

સણોસરા:ગોહિલવાડની સુપ્રસિદ્ધ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે ગાંધી જયંતી પર્વ નિમિત્તે 'લોકભારતી વિશ્વવિદ્યાલય' (યુનિવર્સિટી ફોર રુરલ ઈનોવેશન)નો દ્વિતીય દીક્ષાંત સમારોહ અત્યંત ગરિમાપૂર્ણ માહોલમાં યોજાઈ ગયો. આ પ્રસંગે ઉપસ્થિત પૂ. મોરારિબાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, ગુણોનો સદુપયોગ એ જ ગુણ છે અને દુરુપયોગ એ જ દોષ છે. દુનિયામાં વધેલા દોષોને હળવા કરવા માટે લોકભારતી જેવી સંસ્થાના ગુણોનો ગામડાઓમાં સદુપયોગ થાય તે જ સાચો સદગુણ છે. તેમણે ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીનું સ્મરણ કરીને લોકભારતીના મૂલ્યો અને વિચારોનું વાવેતર સમાજ તથા દેશને યોગ્ય દિશા આપી રહ્યું હોવા બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

સંસ્થાના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ દીક્ષાંત ઉદ્બોધન આપતાં નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી સાથે આંબલા અને મણાર સંસ્થાના પ્રદાનને યાદ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલું આપણું કાર્ય છે અને ગ્રામીણ ભારતને માત્ર લાભાર્થી નહીં પરંતુ ભાગીદાર બનાવવાનું આપણું લક્ષ્ય છે. તેમણે સંસ્થાને પૂ. મોરારિબાપુ તરફથી મળી રહેલી હૂંફનો પણ સહર્ષ ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે વિશાલભાઈ ભાદાણીએ સ્વાગત ઉદ્બોધનમાં આ સમારોહને એકબીજાને ભેટવાનો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર ગણાવ્યો હતો. સમારોહમાં સંસ્થાના પૂર્વકુલપતિઓ ભદ્રાયુભાઈ વછરાજાણી તથા રાજેન્દ્રભાઈ ખીમાણી (વતી અરુણભાઈ દવે)નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. પરંપરાગત અને આકર્ષક ગામઠી શૈલીમાં સજ્જ મંચ પરથી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ તથા પદવીદાન વિધિ સંપન્ન થઈ હતી.

વિશેષ પારિતોષિકોમાં ધાર્મિક રાજ્યગુરુને 'નાનાભાઈ ભટ્ટ શ્રદ્ધાભારતી પારિતોષિક', આર્યન પાનશેરિયાને 'મનુભાઈ પંચોળી વિદ્યાભારતી પારિતોષિક', કૌશિક ગોહિલને 'મૂળશંકરભાઈ ભટ્ટ મૈત્રી પારિતોષિક' અને હર્ષ ડોડિયાને 'નટવરલાલ બુચ સેવાભારતી પારિતોષિક' એનાયત કરવામાં આવ્યા હતા. રાજવીબેન કાલરિયાના સંકલન સાથે વિદ્યાર્થીઓએ સંકલ્પ પ્રતિજ્ઞા લીધી હતી.

કાર્યક્રમનો વાર્ષિક અહેવાલ પરેશભાઈ ઝીંઝાળા દ્વારા રજૂ કરાયો હતો, જ્યારે રઘુવીરભાઈ ચૌધરીએ શુભકામના સંદેશો પાઠવ્યો હતો. સમગ્ર સમારોહનું સંચાલન ભૌતિકભાઈ લીંબાણીએ કર્યું હતું. પ્રારંભમાં સંગીત વૃંદ દ્વારા ગીતગાન રજૂ કરાયું હતું. આ આયોજનમાં સંસ્થા પરિવારના રામચંદ્રભાઈ પંચોળી, હસમુખભાઈ દેવમુરારિ, પ્રશાંતભાઈ ભટ્ટ, જયદેવભાઈ માંકડ, હિંમતભાઈ ગોડા, મનહરભાઈ ઠાકર, મહેન્દ્રભાઈ ચોટલિયા અને જીજીભાઈ ચૌહાણ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:31 PM IST)