<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

પરવાળા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં રૂ. ૨૧ લાખનો નફો જાહેર : સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ અને વારસદારોને રૂ. ૨૫ હજારની મૃત્યુ સહાય અપાશે

આગામી પાંચ વર્ષ માટે પ્રમુખ તરીકે રામદેવસિંહ પ્રવિણસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ પદે બાલાભાઈ દેવાભાઈ ડાંગર બિનહરીફ ચૂંટાયા

 પરવાળા:  પરવાળા સેવા સહકારી મંડળી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ રામદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાઈ ગઈ હતી. આ મહત્વપૂર્ણ સભામાં મંડળીના ગત વર્ષના વાર્ષિક હિસાબો વિગતવાર રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વાનુમતે મંજૂર કરાયા હતા. સભા દરમિયાન સંસ્થાની આર્થિક સધ્ધરતાની જાહેરાત કરતા જણાવાયું હતું કે, મંડળી દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં કુલ રૂ. ૨૧ લાખનો માતબર નફો કરવામાં આવ્યો છે. સંસ્થાની આ પ્રગતિને પગલે સભાસદોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

વાર્ષિક સાધારણ સભામાં સભાસદોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં ચાલુ વર્ષના નફામાંથી સભાસદોને ૧૫% ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંડળી દ્વારા એક સંવેદનશીલ અને સામાજિક સુરક્ષા લક્ષી મોટો નિર્ણય લેતા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે, મંડળીના જે કોઈ સભાસદનું ચાલુ વર્ષ દરમિયાન અવસાન થશે, તેમના વારસદારોને સંસ્થા તરફથી રૂ. ૨૫,૦૦૦ ની આર્થિક મૃત્યુ સહાય આપવામાં આવશે.

આ સભા દરમિયાન મંડળીની આગામી પાંચ વર્ષની મુદત માટે નવી કારોબારી સમિતિની રચના પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રામદેવસિંહ પ્રવિણસિંહ ગોહિલની અને ઉપપ્રમુખ તરીકે બાલાભાઈ દેવાભાઈ ડાંગરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ બિનહરીફ વરણીને સભામાં હાજર તમામ સભાસદોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ સમગ્ર સાધારણ સભાનું સફળ અને સુચારુ સંચાલન મંડળીના મંત્રી જગદીશભાઈ જે. દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં નવ નિયુક્ત પ્રમુખે સભામાં ઉપસ્થિત રહી સહયોગ આપનારા તમામ સભાસદો અને અગ્રણીઓનો આભાર વ્યક્ત કરી સભા પૂર્ણ જાહેર કરી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(4:19 PM IST)