<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

નવતર ઘટના! : જામનગરમાં નાણાં ધીરધારનું લાયસન્સ રિન્યૂ કરવા ₹૧૪,૦૦૦ ની ઓનલાઈન લાંચ લેતા ખાનગી વ્યક્તિ નીલેષ છાપીયા અને સબ-ઓડીટર દિગ્વીજયગીરી ગોસાઇ એસીબીની ટ્રેપમાં પકડાયા : ઓડીટર એમ.એન.જેઠવા ફરાર

ડેપ્યુટી ડાઇરેક્ટર બલદેવસિહ વાધેલા, આસી. ડાયરેક્ટર જીગર મેવાડાના માર્ગદર્શનમાં એસીબી PI અજયસિંહ ગોહિલ ટીમને મોટી સફળતા : ગૂગલ પે મારફતે લાંચ ટ્રાન્સફર કરાવી કન્ફર્મેશન આપતાં ખાનગી વચેટિયા સહિતના આક્ષેપિતો સામે કાર્યવાહી

રાજકોટ : જામનગરમાં નાણાં ધીરધાર (ફાયનાન્સ) નું લાયસન્સ રિન્યૂ કરવાના બદલામાં રૂ. ૧૪,૦૦૦ ની લાંચ માગવાના પ્રકરણમાં લાંચરૂશ્વત વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. સરકારી અધિકારીઓ વતી ગૂગલ પે (Google Pay) થી લાંચની રકમ સ્વીકારનાર ખાનગી વ્યક્તિ નીલેષ જગદિશચંદ્ર છાપીયા અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના સબ-ઓડીટર (કુટીર) દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઇ ઝડપાઈ ગયા છે, જ્યારે ઓડીટર ગ્રેડ-૧ એમ.એન.જેઠવા હાજર મળી આવ્યા ન હોઈ તેમને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.

 

મળતી વિગતો અનુસાર, આ કામના ફરિયાદીએ પોતાના નાણાં ધીરધારનું લાયસન્સ રિન્યૂ કરાવવા માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી, જામનગર ખાતે અરજી કરી હતી. આ લાયસન્સ રિન્યૂ કરી આપવાના અવેજ પેટે આરોપી નીલેષ જગદિશચંદ્ર છાપીયા (રહે. ફ્લેટ નં. ૨૧૬, બીજો માળ, ગુલાબબાગ એપાર્ટમેન્ટ, આર્યસમાજ રોડ, જામનગર) એ ઓડીટર એમ.એન.જેઠવા તથા સબ-ઓડીટર દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઇ વતી રૂ. ૧૪,૦૦૦ ની લાંચની માગણી કરી હતી. ફરિયાદી ઓડીટર એમ.એન.જેઠવાની કચેરી ખાતે રૂબરૂ મળતા તેમણે પણ લાંચની રકમ નીલેષ છાપીયાને આપી દેવા જણાવ્યું હતું.

 

ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે જામનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ૨૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ ગોઠવેલા લાંચના છટકા દરમિયાન, આરોપી નીલેષ છાપીયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ. ૧૪,૦૦૦ ગૂગલ પે મારફતે પોતાના ઓનલાઈન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. રકમ મળ્યા બાદ તેણે મોબાઈલ ફોન પર કન્ફર્મેશન આપી સબ-ઓડીટર દિગ્વીજયગીરી ગોસાઇને લાયસન્સ રિન્યૂ કરી આપવા માટે રકમ મળી ગયાનું જણાવ્યું હતું. ત્રણેય આક્ષેપિતોએ એકબીજાની મદદગારી કરી હોદ્દાનો દુરુપયોગ કરતા એસીબીએ નીલેષ છાપીયા અને દિગ્વીજયગીરી ગોસાઇને પકડી પાડ્યા હતા.

 

આ સફળ ટ્રેપિંગ કામગીરી જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી.મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ઓપરેશનના ઇન્ચાર્જ અધિકારી તરીકે એસીબી રાજકોટના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા રહ્યા હતા.

(7:20 PM IST)