<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

કચ્‍છમાં સગીર વિદ્યાર્થીની સાથે દુષ્‍કર્મ આચરનાર આચાર્ય વિપુલ ગોહિલ સોજીત્રાથી ઝડપાયો

પરીક્ષામાં ઓછા માર્ક્‍સ આપવાનો ડર બતાવી નીલપર (સોનેટેકરી) ગામની શાળામાં ૧૩ વર્ષની સગીર દીકરીનું શોષણ કર્યું હતું, મામલો દબાવવાના પ્રયાસ બદલ ગ્રામ સ્‍વરાજ સંઘ સંસ્‍થાના હોદ્દેદારો સહિત ચાર સામે પણ ગુનો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: કચ્‍છ જિલ્લાના રાપર તાલુકાના નીલપર (સોનટેકરી) ગામમાં આવેલી ગ્રામ સ્‍વરાજ શૈક્ષણિક સંસ્‍થાની ૧૩ વર્ષની સગીર વિદ્યાર્થિની સાથે દુષ્‍કર્મ આચરવાના ગંભીર કેસમાં ફરાર આચાર્યને રાપર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્‍યો છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના દેવાતલપડ ગામેથી આરોપી આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલ (ઉં.વ. ૨૭)ને ઝડપી પાડ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે.

પોલીસ ફરિયાદ મુજબ, નીલપર ખાતે ‘ગ્રામ સ્‍વરાજ સંઘ' સંચાલિત કન્‍યા છાત્રાલયની નિવાસી શાળામાં ધોરણ-૮ માં અભ્‍યાસ કરતી અને છાત્રાલયમાં રહેતી સગીરા સાથે આચાર્ય દ્વારા પરીક્ષામાં ઓછા માર્ક્‍સ આપવાનો ડર બતાવી વારંવાર દુષ્‍કર્મ આચરવામાં આવ્‍યું હોવાનો આક્ષેપ છે. આ ગંભીર મામલો ત્‍યારે સામે આવ્‍યો જ્‍યારે ૧૫ ઓગસ્‍ટના બે દિવસ અગાઉ આચાર્યના ખિસ્‍સામાંથી પ્રગ્નન્‍સી ટેસ્‍ટ કીટ પડી જતાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ બાબત સંસ્‍થાના સંચાલકોના ધ્‍યાને આવ્‍યા બાદ સંસ્‍થાએ ૨૪ ઓગસ્‍ટના રોજ આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલને સેવામુક્‍ત કર્યો હતો. દરમિયાન પ્રથમ સગીરા અને ત્‍યારબાદ તેના પરિવારે સમગ્ર ઘટનાની જાણ સંસ્‍થાના ગળહમાતા, મેનેજર, ટ્રસ્‍ટના હોદ્દેદારોને કરી હતી. ફરિયાદ મુજબ, પોલીસ ફરિયાદ ન કરવા તથા મામલો દબાવી દેવા માટે સગીરાને ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. આથી રાપર પોલીસે મુખ્‍ય આરોપી આચાર્ય સામે પોક્‍સો એક્‍ટ સહિતની લાગુ કલમો હેઠળ ગુનો નોંધવાની સાથે મામલો દબાવવાના પ્રયાસના આક્ષેપમાં સંસ્‍થાના ટ્રસ્‍ટી, મેનેજર અને હોસ્‍ટેલની ગળહમાતા સહિત અન્‍ય ત્રણ વ્‍યક્‍તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં પૂર્વ કચ્‍છ પોલીસ દ્વારા તપાસ તેજ બનાવવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર ઘટનામાં અન્‍ય કોઈની ભૂમિકા છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. (તસ્‍વીરઃ મુકેશ રાજગોર, રાપર)

(10:48 AM IST)