<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

પ્રિન્‍સીપાલ જજ પી.એચ. સિંહનો સીમાચિહ્નરૂપ આદેશ : કોર્ટને ગેરમાર્ગે દોરી ગુનેગારને બચાવવાનો પ્રયાસ કરનાર કુતિયાણાના તત્‍કાલીન PI , હેડ કોન્‍સ્‍ટેબલ અને નાયબ પોલીસ અધિક્ષક વિરૂદ્ધ BNS ની ગંભીર કલમો હેઠળ કેશોદ પોલીસ સ્‍ટેશનમાં FIR નોંધાવવા હુકમ

ભરણપોષણના કેસમાં સજા પામેલા આરોપીને જિલ્લા જેલમાં મોકલવાને બદલે પોલીસ સ્‍ટેશનમાં વીઆઈપી આશરો આપી સરકારી રેકર્ડ અને સીસીટીવી ફૂટેજ સાથે ચેડાં કરવાનો કારસો ખુલ્લો પડ્‍યો : જૂનાગઢ ફેમિલી કોર્ટના જજ પી.એચ. સિંહે બંધ કવરમાં આવેલા વિરોધાભાસી અહેવાલો ફગાવી કોર્ટના સિનિયર ક્‍લાર્કને ૫ દિવસમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવા આદેશ આપતાં પોલીસ બેડામાં ભારે ફફડાટ

કેશોદઃ જૂનાગઢ ફેમિલી કોર્ટ કેમ્‍પ કેશોદના પ્રિન્‍સીપાલ જજ પી.એચ. સિંહ દ્વારા ન્‍યાયિક ઇતિહાસનો એક અત્‍યંત કડક અને સીમાચિホરૂપ આદેશ કરવામાં આવ્‍યો છે. ભરણપોષણ મેળવવા માટે કાનજીભાઈ મકવાણાની દીકરી અરજદાર માયાબેન દ્વારા પોતાના પતિ રણછોડભાઈ રાયમલભાઈ વિરમગામા (રહે. ખૂનપુર, તા. કુતિયાણા, જી. પોરબંદર) વિરૂદ્ધ ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-૧૨૫ મુજબ ભરણપોષણ મેળવવાની અરજી માળિયા હાટીનાની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે સામાવાળા રણછોડભાઈ વિરમગામાને માસિક રૂપિયા ૨,૦૦૦ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જો કે, આ હુકમ છતાં પતિએ કોઈ રકમ ન ચૂકવતાં ચડત ભરણપોષણની કુલ રકમ રૂપિયા ૨૫,૦૦૦ વસૂલ કરવા કલમ-૧૨૫(૩) મુજબ માળિયા હાટીનાની કોર્ટમાં ફરી અરજી દાખલ કરવામાં આવી હતી. ત્‍યારબાદ આ કેસ કેશોદની ક્‍લસ્‍ટર ફેમિલી કોર્ટમાં ટ્રાન્‍સફર થતાં તેને નવો નંબર ફો.પ.અ. નં. ૩૯૫/૨૦૨૪ મળ્‍યો હતો.

આ કેસમાં સામાવાળા નિયમિત રકમ ચૂકવવામાં કસૂરવાર ઠરતાં પ્રિન્‍સીપાલ જજ ફેમિલી કોર્ટ કેમ્‍પ કેશોદ દ્વારા કસૂરદાર પતિ રણછોડભાઈ વિરમગામા વિરૂદ્ધ ૧૧ માસની ચડત રકમ માટે અને મૂળ અરજી ખર્ચની રકમ રૂપિયા ૨૨,૦૦૦ની ભરપાઈ ન કરવા બદલ અનુક્રમે ૧૦ માસ અને ૧૫ દિવસ એટલે કે કુલ ૧૫૮ દિવસ સુધીની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવ્‍યો હતો અને તે સજા વોરંટ બજાવવા માટે પોલીસ અધિક્ષક પોરબંદર તરફ મોકલવામાં આવ્‍યો હતો.

કોર્ટના રેકર્ડ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું ચોંકાવનારું સત્‍ય બહાર આવ્‍યું છે કે, સજા પામનાર ઈસમ રણછોડભાઈ વિરમગામા તથા તેના ભાઈ મુકેશભાઈ રાયમલભાઈ વિરમગામાના સોગંદ ઉપર લેવાયેલા નિવેદન અનુસાર, તેઓ તારીખ ૩૦/૦૬/૨૦૨૬ના રોજ સાંજના ૦૮:૩૦ વાગ્‍યે લીંબુડા ગામ (તા. માણાવદર, જી. જૂનાગઢ) ખાતે આવેલા તેમના ઘરેથી કુતિયાણા પોલીસ સ્‍ટેશનના બે પોલીસ કર્મચારીઓ સાથે મોટરસાયકલ પર બેસીને કુતિયાણા પોલીસ સ્‍ટેશને આવ્‍યા હતા. રાત્રે ૧૦:૩૦ વાગ્‍યે પોલીસે તેમને કોર્ટમાં હાજર થવાનું કહીને જવા દીધા હતા.

બીજી તરફ, કુતિયાણા પોલીસ સ્‍ટેશનના પી.આઈ. એમ.ડી.વાળા અને આસિસ્‍ટન્‍ટ હેડ કોન્‍સ્‍ટેબલ ડી.એચ. જાડેજા દ્વારા એકબીજાના મેળાપીપણામાં કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે તારીખ ૩૦/૦૬/૨૦૨૬ના રોજ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્‍યો હતો, જેમાં એવો ખોટો દાવો કરાયો હતો કે સજા વોરંટ તારીખ ૩૧/૧૨/૨૦૨૪ના રોજ ટપાલ મારફતે અદાલતમાં પરત મોકલી આપવામાં આવ્‍યો છે. પરંતુ આ?ર્યજનક રીતે, તારીખ ૦૧/૦૭/૨૦૨૬ના રોજ ફરી એવો વિરોધાભાસી રિપોર્ટ કરાયો કે આ સજા વોરંટ ગુમ થઈ ગયો છે! સરકારી રેકર્ડ અને વોરંટ રજિસ્‍ટર સાથે ખુલ્લેઆમ ચેડાં કરીને ખોટા પુરાવા ઊભા કરવાનો આ પ્રયાસ કોર્ટની નજરમાં આવી ગયો હતો.

માનનીય અદાલત દ્વારા પોલીસ અધિક્ષક પોરબંદરને તારીખ ૧૬/૦૬/૨૦૨૬ અને તારીખ ૦૧/૦૭/૨૦૨૬ના પત્રોથી કારણદર્શક નોટિસો ફટકારીને કુતિયાણા પોલીસ સ્‍ટેશનના સીસીટીવી ફૂટેજ ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ-૬૩(ઈ)ના પ્રમાણપત્ર સાથે રજૂ કરવા આદેશ કરાયો હતો. આ આદેશના પગલે નાયબ પોલીસ અધિક્ષક મુખ્‍ય મથક પોરબંદર દ્વારા મોકલવામાં આવેલા આંક-૨૩ વાળા અહેવાલ અને પેનડ્રાઈવમાં સામેલ સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં સ્‍પષ્ટ જોવા મળ્‍યું કે, તારીખ ૩૦/૦૬/૨૦૨૬ના રોજ રાત્રે ૨૦:૪૭ વાગ્‍યે સજા પામનાર રણછોડભાઈ વિરમગામા પીળા કલરનું ટી-શર્ટ પહેરીને અન્‍ય એક ઈસમ સાથે મોટરસાયકલ પર કુતિયાણા પોલીસ સ્‍ટેશનમાં આવે છે. ત્‍યાં સાદા કપડામાં સજ્જ બે પોલીસ કર્મચારીઓ જેવા દેખાતા ઈસમો પણ હાજર છે અને હેડ કોન્‍સ્‍ટેબલ ડી.એચ. જાડેજા જ્‍યાં ખુરશી પર બેઠા છે ત્‍યાં સજા પામનાર ઈસમ અને તેની સાથે આવેલ વ્‍યક્‍તિ લાંબો સમય સુધી ચર્ચા-વિચારણા કરે છે અને ત્‍યારબાદ પોલીસ સ્‍ટેશનની અંદર જાય છે.

આ ઉપરાંત, બીજા દિવસે એટલે કે તારીખ ૦૧/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૦૮:૫૪ વાગ્‍યે આ સજા પામનાર ઈસમ પોલીસ સ્‍ટેશનમાંથી બહાર આવીને સરકારી વાહનની પાછળની સીટ ઉપર બેસતો પણ સીસીટીવીમાં કેદ થયો છે. આમ, કસૂરદાર ઈસમને અટક કર્યા વગર કે કોઈ કાયદેસરની અટકાયતી પગલાં લીધા વિના આશરે બાર કલાક સુધી પોલીસ સ્‍ટેશનમાં રાખવામાં આવ્‍યો હતો, જે કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર અટકાયતની વ્‍યાખ્‍યામાં આવે છે. પોલીસ અધિકારીઓએ પોતાના તાબાના કર્મચારીઓના ગુનાહિત કળત્‍યો પર પડદો પાડવા માટે જ અદાલત સમક્ષ ખોટો અને ગેરમાર્ગે દોરનારો અહેવાલ રજૂ કર્યો હતો.

પ્રિન્‍સીપાલ જજ પી.એચ. સિંહે પોતાના આદેશમાં સ્‍પષ્ટ નોંધ્‍યું છે કે, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની કાયદેસરની ફરજ બજાવવામાં ઘોર બેદરકારી દાખવી છે અને સજા પામનાર ઈસમને સજામાંથી બચાવવાના બદઇરાદાથી અદાલતના આદેશોની અવજ્ઞા કરી છે. અદાલત સમક્ષ ખોટી માહિતી પૂરી પાડીને તેમજ સરકારી દસ્‍તાવેજ એવા સજા વોરંટને ગુમ કરીને કાયદાનો સરેઆમ અનાદર કરવામાં આવ્‍યો છે. પોલીસ અધિક્ષક પોરબંદર દ્વારા તારીખ ૧૦/૦૭/૨૦૨૬ના રોજ રજૂ કરવામાં આવેલો ક્રમાંક/આર.બી./અહેવાલ/૧૯૮૪/૭૭૧૬/૨૦૨૬વાળો જવાબ કાયદેસરનો અને યોગ્‍ય ન જણાતાં અદાલતે તેને નામંજૂર કર્યો છે.

ન્‍યાયના વ્‍યાપક હિતમાં પ્રિન્‍સીપાલ જજ પી.એચ. સિંહ દ્વારા આદેશના પેરા-૨ અન્‍વયે અદાલતમાં સિનિયર ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતા ફરજ પરના સિનિયર ક્‍લાર્ક શ્રી અફરોઝખાન એસ. તુર્કને સખત આદેશ કરવામાં આવ્‍યો છે કે, તેઓએ કુતિયાણા પોલીસ સ્‍ટેશનના તત્‍કાલીન પી.આઈ. શ્રી એમ.ડી.વાળા, આસિસ્‍ટન્‍ટ હેડ કોન્‍સ્‍ટેબલ શ્રી ડી.એચ. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્‍ય મથક પોરબંદર વિરૂદ્ધ ભારતીય ન્‍યાય સંહિતા (BNS), ૨૦૨૩ની કલમ ૧૯૮, ૧૯૯, ૨૦૧, ૨૦૮, ૨૧૦, ૨૧૧, ૨૧૨, ૨૧૭, ૨૨૩, ૨૨૭, ૨૨૮, ૨૨૯, ૨૩૩, ૨૩૮, ૨૪૦, ૨૪૯, ૨૫૫, ૨૫૬, ૨૫૯, ૨૬૦, ૩૩૫, ૩૩૬, ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૦ તથા ૫૪ અને ગુજરાત પોલીસ એક્‍ટની કલમ-૧૪૫(૩) મુજબ બેદરકારી અને ગુનાહિત પ્રવળત્તિ બદલ કેશોદ પોલીસ સ્‍ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવી અને દિન-૫ માં તેનો લેખિત રિપોર્ટ અદાલતમાં રજૂ કરવો.

આ સાથે જ આ હુકમની એક-એક નકલ ડાયરેક્‍ટર જનરલ ઓફ પોલીસ (DGP - ગાંધીનગર, ગુજરાત), નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG - જૂનાગઢ વિભાગ) તથા પોલીસ અધિક્ષક પોરબંદરને પત્રથી મોકલી આપવા પણ સિનિયર ક્‍લાર્ક અફરોઝખાન એસ. તુર્કને આદેશ કરાયો છે. ખુલ્લી અદાલતમાં જાહેર થયેલા આ ઐતિહાસિક ચુકાદાથી કાયદાનો ભંગ કરનારા અને ગુનેગારો સાથે સાંઠગાંઠ રાખનારા પોલીસ અધિકારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

(3:50 PM IST)