<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

જામનગરમાં વડાપ્રધાન મોદીના સ્વાગતમાં ઝળહળી ગુજરાતી: સંસ્કૃતિ લોકસંસ્કૃતિનો જીવંત માહોલ સર્જાયો

અભિવાદન કાર્યક્રમમાં પ્રખ્યાત રાસ મંડળીની રમઝટ, સ્ટેજ પર ગુંજ્યો પરંપરાગત ગરબા અને રાસ

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર :જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના અભિવાદન કાર્યક્રમ દરમિયાન ગુજરાતીની આગવી ઓળખ અને સાંસ્કૃતિક ઝલક જોવા મળી હતી. “ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક ન જોવા મળે તો શું કામનું?” તેવી લાગણીને સાકાર કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત રાસ મંડળી દ્વારા પરંપરાગત રાસ અને ગરબાની રંગતભરી રજૂઆત કરવામાં આવી હતી. સ્ટેજ પર કલાકારો પરંપરાગત ગુજરાતી પહેરવેશમાં સજ્જ થઈ ઢોલ અને તાલના સંગાથે રાસ રમતા જોવા મળ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સ્થળે ગુજરાતની લોકસંસ્કૃતિનો જીવંત માહોલ સર્જાયો હતો.
રાસ મંડળીની કલાકારોએ ઉત્સાહ અને ઉમંગ સાથે રજૂઆત કરતા ઉપસ્થિત લોકો પણ તાલીઓના ગડગડાટ સાથે તેમને વધાવી રહ્યા હતા. પરંપરાગત સંગીત, રંગબેરંગી પહેરવેશ અને લોકનૃત્યના સમન્વયથી સમગ્ર વાતાવરણ ઉત્સવી બની ગયું હતું.
વડાપ્રધાન મોદીના આગમનને લઈને જામનગરમાં માત્ર રાજકીય નહીં પરંતુ સાંસ્કૃતિક ઉત્સવ જેવી લાગણી પણ જોવા મળી રહી છે. વિવિધ સમાજો અને કલાકારો દ્વારા ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિને ભવ્ય રીતે રજૂ કરવામાં આવી રહી છે.

(9:24 PM IST)