તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
જામનગરની શાન: શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજે 70 વર્ષમાં 10,000 થી વધુ તબીબો તૈયાર કરીને સૌરાષ્ટ્રને આપી આરોગ્યની અમૂલ્ય ભેટ
જામ સાહેબ દિગ્વિજયસિંહજીના 61 એકર ભૂમિદાન અને શેઠ મેઘજી પેથરાજ શાહના 15 લાખના દાનથી 1955માં શરૂ થયેલી સંસ્થા આજે 250 MBBS, 243 PG અને 5 સુપર સ્પેસિયાલિટી બેઠકો સાથે બની દેશનું અગ્રણી તબીબી કેન્દ્ર

(મુકુંદ બદિદ્વારા)જામનગર તા.૪ : શહેરનું ગૌરવ ગણાતી શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ આજે સ્વાસ્થ્ય સેવા અને તબીબી શિક્ષણનું મહાતીર્થ બની ચૂકી છે. રાજવીના ભૂમિદાન અને દાનવીરના અર્થદાનના અનોખા સમન્વયથી ઊભી થયેલી આ સંસ્થા 70 વર્ષથી અવિરત માનવસેવાનું કાર્ય કરી રહી છે.
આ પ્રતિષ્ઠિત સંસ્થાના પાયા જામનગરના પ્રજાવત્સલ રાજવી જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીએ નાખ્યા હતા. તેમણે 1954માં તબીબી શિક્ષણના ઉમદા હેતુ માટે 61 એકર જેટલી કિંમતી જમીન સખાવતમાં આપી હતી. રાજવીના આ સ્વપ્નને મૂર્તિમંત કરવા લંડન સ્થિત દાનવીર ઉદ્યોગપતિ શેઠ શ્રી મેઘજી પેથરાજ શાહે એ જ વર્ષે રૂ. 15 લાખનું ઉદાર દાન આપ્યું હતું. આ રકમનું આજના સમયમાં મૂલ્ય અંદાજે રૂ. 250 થી 300 કરોડ જેટલું થાય છે.
વર્ષ 1955માં માત્ર 60 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ સાથે શરૂ થયેલી આ કોલેજે વિકાસના અનેક શિખરો સર કર્યા છે. છેલ્લા 70 વર્ષમાં આ સંસ્થાએ 10,000 થી વધુ કુશળ ડૉક્ટરો તૈયાર કરીને દેશ-વિદેશમાં માનવતાની સેવામાં અર્પણ કર્યા છે.
હાલ સંસ્થા ખાતે દર વર્ષે 250 MBBS બેઠકો, 243 અનુસ્નાતક PG બેઠકો અને 5 સુપર સ્પેસિયાલિટી બેઠકો દ્વારા નવી પેઢીના તબીબોને ઉચ્ચ કક્ષાની તાલીમ આપવામાં આવી રહી છે. આ સંસ્થા સાથે સંકળાયેલી ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માટે જીવનદાયિની બની છે. અહીં દરરોજ હજારો જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવે છે.
હોસ્પિટલના બાળ રોગ વિભાગના પ્રાધ્યાપક ડો. મૌલિક શાહે જણાવ્યું કે જામ સાહેબ અને દાનવીર શેઠ મેઘજી પેથરાજ શાહના યુગપ્રવર્તક યોગદાનને સમગ્ર હાલાર પંથક કૃતજ્ઞતા સાથે સ્મરી રહ્યો છે. વર્ષો પહેલાં આપેલી આ અમૂલ્ય ભેટ આજે પણ સમાજને આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી રહી છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
