<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

વિસાવદર જીવાપરાની "જય અંબે ગરબી" પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું જતન

ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવની પારંપરિક શક્તિ-ભક્તિ સાથે ઉજવણી સંપન્ન

વિસાવદર : વિસાવદર સ્થિત જીવાપરા વિસ્તારમાં આવેલી 'જય અંબે ગરબી' પોતાની આગવી ઓળખ અને વર્ષો જૂની પરંપરાને કારણે મોખરે રહી છે. આ ગરબીની વિશેષતા અને ભવ્યતાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો આજે પણ પોતાના પરિવાર સાથે આ ગરબી નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.‌આ ગરબીની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં પ્રાચીન નાટકો અને રામામંડળનું મંચન કરવામાં આવતું હતું. જેમાં વડીલો દ્વારા વીર અભિમન્યુ, વીર માગણાવાળો અને રાજા ભરથરી જેવા અમર પાત્રો ભજવીને હિન્દુ સંસ્કૃતિ તથા ઇતિહાસને જીવંત રાખવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવતો હતો.

   આ સુંદર પરંપરાએ આવનારી પેઢીને પોતાના ભૂતકાળ અને વારસા સાથે જોડી રાખી છે. સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડતી આ ગરબીમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિની દીકરીઓને ઉત્સાહપૂર્વક ગરબે રમવા દેવામાં આવે છે. ખાસ કરીને અત્યંત નાની બાળાઓ પૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે રાસ-ગરબા રમે છે. આ માસુમ બાળાઓ જ્યારે પોતાની તોતળી ભાષામાં ગરબા ગાય છે, ત્યારે સમગ્ર વાતાવરણ સાક્ષાત જગદંબાના બાળ સ્વરૂપની ઉપસ્થિતિ હોય તેવું ભક્તિમય બની જાય છે. આ નાની બાળાઓનો નયનરમ્ય રાસ નિહાળવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો તથા ગ્રામજનો ઉમટી પડ્યા હતા

(11:22 PM IST)