તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
મોરબીના નાની કેનાલ રોડની કામગીરી મુદ્દે કોંગ્રેસની રજૂઆત, મેયરની તાત્કાલિક તપાસની ખાતરી.
20 મીટર રોડ મંજૂર હોવા છતાં 18 મીટરનું કામ કેમ? : વિપક્ષના સવાલોના જવાબમાં ડેપ્યુટી કમિશનરે TPO રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં નાની કેનાલ રોડ (વોર્ડ નંબર 9) ને 'આઈકોનિક રોડ' તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, રોડની પહોળાઈ અને દબાણ હટાવવાની કામગીરીમાં ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સ્થાનિકોએ મહાનગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને સ્થાનિક રજૂઆતકર્તાએ જણાવ્યું હતું કે, રોડની સેન્ટ્રલ લાઈનથી બંને બાજુ 10-10 મીટર એમ કુલ 20 મીટરનો રોડ મંજૂર થયો છે. આ કામ માટે હાઉસિંગ બોર્ડના રહીશોને નોટિસ અપાતા તેઓએ સ્વેચ્છાએ પોતાના મકાનના દબાણો દૂર કરી દીધા હતા. પરંતુ હવે માત્ર 18 મીટરનો જ રોડ બનાવવામાં આવી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે શાસક પક્ષના લોકોના મકાનો બચાવવા માટે રોડની પહોળાઈ ઘટાડવામાં આવી રહી છે. તેમજ શરૂઆતના દબાણો દૂર ન થતા હાલમાં રોડ માત્ર 15 મીટર જ બની રહ્યો છે. અગાઉ મેયરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને કામ બંધ રખાયું હતું, પરંતુ ગતરોજ ફરીથી જૂની પદ્ધતિ મુજબ જ કામ શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. તેઓએ માંગ કરી છે કે કોઈ પણ જાતના ભેદભાવ વગર 20 મીટરની જગ્યા ખાલી કરાવીને આઈકોનિક રોડ બનાવવામાં આવે.
આ મામલે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી સ્પષ્ટતા ક૨તા જણાવ્યું હતું કે, વિપક્ષની રજૂઆત બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સ્થાનિક કોર્પોરેટરો સાથે સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. મંજૂર થયેલો રોડ 18 મીટરનો જ છે. સિંચાઈ વિભાગ દ્વારા 20 મીટરનું સંપાદન કરાયું હતું. આ બાબતે આગળ સંકલન કરવામાં આવશે અને જે બાકી છે તેના પર TPO રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે રોડનું નિરીક્ષણ કરી, પૂરતી તપાસ બાદ નિયમો મુજબ જ આગળની કામગીરી કરવામાં આવશે.
જો આગામી સમયમાં સંતોષકારક ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા કોર્ટમાં પિટિશન દાખલ કરવાની અને ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેમાં કોંગ્રેસ પક્ષ પણ સંપૂર્ણ સાથ આપશે
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
