<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

પરબધામ અષાઢી બીજ મહોત્સવમાં ઉપલા દાતારના મહંત ભીમ બાપુના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ: સેવકોએ કર્યા સંતોના સમાધિ સ્થાનના દર્શન

પૂજ્ય કરશનદાસબાપુનું સાલ ઓઢાડી સન્માન : દાતાર બાપુનો પ્રસાદ અર્પણ : કેતનબાપુએ કર્યું ભાવભેર સ્વાગત : માનવસેવાની પરંપરા આજે પણ પ્રેરણારૂપ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ : પરબધામ ખાતે ઉજવાયેલા અષાઢી બીજ મહોત્સવમાં આ વખતે ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મહોત્સવમાં ઉપલા દાતારની જગ્યાના મહંત શ્રી ભીમ બાપુના પ્રતિનિધિ તરીકે સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

ઉપલા દાતારના સેવકોએ પરબધામ મંદિર પરિસરમાં આવેલા સંત શ્રી દેવીદાસ બાપુ, અમર માં સહિતના સંતોના સમાધિ સ્થાનોના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. સેવકોએ સંતોની સેવા-સાધનાને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પરબધામના સંચાલક કેતનબાપુએ ઉપલા દાતારથી પધારેલા સેવકગણનું ભાવભેર સ્વાગત અને સન્માન કર્યું હતું. 

આ પ્રસંગે ઉપલા દાતારના મહંત શ્રી ભીમ બાપુના સેવકગણે પૂજ્ય કરસનદાસ બાપુને સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. સાથે જ દાતાર બાપુનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પરબધામ માનવસેવા માટે વિશેષ રીતે જાણીતું છે. અનેક દાયકાઓ પહેલા સંત શ્રી દેવીદાસ બાપુ, અમર માં સહિતના સંતોએ તે સમયે સમાજ દ્વારા બહિષ્કૃત કરાયેલા રક્તપિત્તના દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા-સુશ્રુષા કરી હતી.

સાથે જ અહીં ભૂખ્યાને ભોજન આપવાની પરંપરા પણ સંતોએ શરૂ કરી હતી. આ સેવાકીય વારસો આજે પણ લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યો છે અને પરબધામને શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર બનાવે છે.

મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:01 PM IST)