<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

જામનગરમાં ચોમાસા પૂર્વે જર્જરિત ઇમારતો જમીનદોસ્ત કરવાની ઝુંબેશ તેજ : ગ્રેન માર્કેટ વિસ્તારમાં આવેલું જૂનું કસ્ટમ હાઉસ તોડી પાડવા કમિશનરની સૂચનાથી કડક કાર્યવાહી

અગાઉ ત્રણ મજૂરો દટાવાની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું : રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી ભારે મશીનરી વડે ડિમોલિશન કરાયું

મુકુંદ બદીયાણી, જામનગર:જામનગર શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવતાની સાથે જ જનજીવનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત અને ભયજનક ઇમારતોને તોડી પાડવા માટેની કડક કવાયત હાથ ધરવામાં આવી છે. વરસાદના દિવસોમાં આવી જૂની ઇમારતો ધરાશાયી થવાની અને મોટી જાનહાનિ થવાની સંભાવના રહેતી હોવાથી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે તાજેતરમાં જ શહેરના ધમધમતા ગ્રેન માર્કેટ વિસ્તારમાં આવેલા જૂની કસ્ટમ હાઉસની ઓફિસને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ કસ્ટમ હાઉસની ઓફિસ વર્ષો જૂની અને અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ હોવાથી તેને તોડી પાડવા માટે એસ્ટેટ શાખા દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે જ્યારે આ ઇમારતને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક કાટમાળ ધસી પડતાં ત્રણ શ્રમિકો દટાયા હોવાની ગંભીર દુર્ઘટના સામે આવી હતી. આ અકસ્માત બાદ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર વધુ સતર્ક બન્યું છે અને આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રવિવારે ખાસ પૂર્વતૈયારીઓ કરવામાં આવી હતી.
શનિવાર-રવિવારની રજાના દિવસે ગ્રેન માર્કેટ જેવા વ્યસ્ત વ્યાપારી વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હોય તેનો લાભ લઈને તંત્ર દ્વારા ડિમોલિશનની આખરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત નિવારવા માટે રવિવારે વહેલી સવારથી જ ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આસપાસના તમામ રસ્તાઓ અને સમગ્ર વિસ્તારને સુરક્ષાના ભાગરૂપે સંપૂર્ણપણે કોર્ડન કરવામાં આવ્યો હતો જેથી કોઈ અજાણ્યો નાગરિક ત્યાં આવી ન ચડે.
આ લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આધુનિક અને ભારે મશીનરીઓ જેવી કે જેસીબી અને હાઇડ્રોલિક ક્રેન્સ ઘટનાસ્થળે ઉતારવામાં આવી હતી. મશીનરીના ઉપયોગ દ્વારા આ ભયજનક કસ્ટમ હાઉસના બાકી બચેલા જર્જરિત હિસ્સાને સુરક્ષિત રીતે તોડી પાડવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી હતી. ચોમાસા પહેલા મહાનગરપાલિકાની આ આક્રમક કામગીરીને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

(11:25 AM IST)