<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

રંગપર ગામે પુડલા બનાવવા ગયેલા પ્રકાશભાઇનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

ગોંડલના માંડણકુંડલાથી પટેલ યુવાન માણસોને લઇને ગયા હતાં : બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી પારખીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૬: હૃદય રોગના હુમલાથી વધુ એક યુવાનની જિંદગીની સફરનો અંત આવી જતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. ગોંડલના માંડણકુંડલાના યુવાન કેટરીંગનું કામ કરતાં હોઇ પડધરીના રંગપર ગામે ઓર્ડર મળ્‍યો હોઇ પુડલા બનાવવા કારીગરોને લઇને ગયા ત્‍યારે ત્‍યાં વાડીએ એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ માંડણકુંડલા ગામે રહેતાં પ્રકાશભાઇ કરસનભાઇ પારખીયા-પટેલ (ઉ.વ.૪૨) રાતે સાડા નવેક વાગ્‍યે પડધરીના રંગપર ગામે આવેલી બાબુભાઇ ઝાલાવડીયાની વાડીએ હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. પોલીસે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

મૃત્‍યુ પામનાર પ્રકાશભાઇ પારખીયા બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે દિકરી છે. પોતે કેટરીંગ સર્વિસ ચલાવતાં હતાં. ગઇકાલે પડધરીના રંગપર ગામે પુડલાનો ઓર્ડર મળ્‍યો હોઇ પોતે કેટરીંગના માણસોને લઇને ત્‍યાં ગયા હતાં. આ વખતે હૃદય બેસી જતાં મૃત્‍યુ થયાનું સગાએ જણાવ્‍યું હતું. યુવાન દિકરાના મૃત્‍યુથી પારખીયા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે. (૧૪.૬)

(10:51 AM IST)