તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
જામનગર જિલ્લામાં 5 થી 21 જૂન દરમિયાન ‘પ્રગતિ પથ યાત્રા’, ‘જન કલ્યાણ શિબિર’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના કાર્યકાળ નિમિત્તે વિવિધ કાર્યક્રમો, કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આગામી 5 જૂનથી 21 જૂન 2026 દરમિયાન જામનગર જિલ્લામાં વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વિવિધ આયોજનો અંગે સંબંધિત વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે તમામ સરકારી વિભાગોને પરસ્પર મજબૂત સંકલન સાધીને આ કાર્યક્રમોને સાચા અર્થમાં સફળ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બનાવવા માટે આદેશો આપ્યા હતા.
આ ઉજવણી અન્વયે જામનગર જિલ્લામાં મુખ્ય ત્રણ સ્તરે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ‘પ્રગતિ પથ યાત્રા’ના માધ્યમથી સરકાર દ્વારા જિલ્લામાં નિર્માણ પામેલ વિવિધ ઐતિહાસિક સ્થળો, પ્રવાસન સ્થળો તેમજ પર્યટન સ્થળોની જિલ્લાના મહાનુભાવો તથા નાગરિકો મુલાકાત લેશે અને તમામને આ સ્થળોથી વિગતવાર માહિતગાર કરાશે.
‘જન કલ્યાણ શિબિર’ થકી મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ વોર્ડ ખાતે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા પંચાયત સીટ વાર અંત્યોદય અને વંચિત પરિવારોને શોધીને તેમને લોકહિતની વિવિધ યોજનાઓથી સીધા લાભાન્વિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની 15 તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો ઘર આંગણે જ લાભ અપાશે.
‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત રાષ્ટ્રના નવનિર્માણ અને વિકાસમાં પ્રબુદ્ધ નાગરિકોના વૈચારિક યોગદાન અંગે વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, નિષ્ણાતો, પ્રતિષ્ઠિત લોકો, પદ્મશ્રી એવોર્ડ વિજેતા તેમજ અન્ય સન્માનનીય અગ્રણીઓ સાથે સકારાત્મક સંવાદ સ્થાપિત કરાશે.
આ કાર્યક્રમોના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ પ્રવૃત્તિ, સઘન સ્વચ્છતા ઝુંબેશ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને પ્રોત્સાહિત કરતી વિશેષ કાર્યશાળાઓનું પણ આયોજન હાથ ધરાશે. ‘જન કલ્યાણ શિબિર’ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાશે. ‘સેવાસેતુ’ કાર્યક્રમ અંતર્ગત 56 પ્રકારની વિવિધ સરકારી સેવાઓ, પ્રમાણપત્રો અને દાખલાઓનો લાભ અરજદારોને કોઈપણ વિલંબ વગર સ્થળ પર જ પ્રદાન કરવામાં આવશે.
આ સેવા ઉત્સવને લોકઉત્સવ બનાવવા માટે જિલ્લાના તમામ પદાધિકારીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, પૂજ્ય સંતો-મહંતો, સામાજિક સંગઠનો, મહિલા મંડળો, યુવાઓ તથા આમ જનતાને સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
આ આયોજન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર એસ.એમ.કાથડ, જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
