News of Wednesday, 28th October 2026
ઉનાના વાંસોજમાં જમ્યા બાદ મૃત્યુ પામેલ બાળકીના મૃતદેહનું જામનગરમાં પોસ્ટમોર્ટમ
પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશેઃ જમ્યાબાદ બાળકી સાથે માતા પિતાની તબીયત બગડી હતી અને ઘેર ડોકટર બોલાવીને બાટલા ચઢાવ્યા હતાઃ ફુડ પોઇઝનીંગ કે સારવારમાં બેદરકારી..? પોલીસ દ્વારા તપાસ

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૨૮: તાલુકાના વાંસોજમાં જમ્મા બાદ મૃત્યુ થયેલ બાળકી જીનલ રાજેશભાઇ કામળિયાના મૃતદેહને પોસ્ટમોર્ઠમ જામનગર લઇ જવામાં આવેલ છે.
ઉના તાલુકાના વાંસોજ ગામે એક જ પરિવારના સભ્યોની તબિયત લથડવાની ઘટનામાં ત્રણ વર્ષની બાળકી જીનલ રાજેશભાઈ કામળીયાનું મોત નીપજતાં અરેરાટી ફેલાઈ હતી. બાળકીનાં માતા-પિતા રાજેશભાઈ ભગવાનભાઈ કામળીયા અને સોનલબેન કામળીયા હાલ ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. રાત્રિના સમયે ગુવાર બટેટા નું શાક અને બાજરા નોરોટલો ભોજન લીધા બાદ પરિવારના સભ્યોને અશક્તિ અને ઊલટીની તકલીફ શરૂ થઈ હતી. ત્યારબાદ સવારે માતા-પિતાને ફરી અશક્તિ અને ચક્કર આવતાં ઘરે ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા બાટલા ચઢાવી સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ઘરમાં રમતી ત્રણ વર્ષની બાળકી અચાનક ઢળી પડતાં પરિવારજનોમાં દોડ ધામ મચી ગઈ હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી હતી, પરંતુ તબીબે તેને મળત જાહેર કરી હતી.
ઘટના અંગે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇરાઠોડ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પરિવાર રાત્રે ભોજન લીધા બાદ સૂઈ ગયો હતો. ત્યાર બાદ અચાનક અશક્તિ અને ઊલટીની તકલીફ થતાં રાત્રિના આશરે બે વાગ્યે ગામમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બાદમાં પરિવાર ઘરે પરત ફર્યો હતો. સવારે ફરી અશક્તિ અને ચક્કર આવતાં પરિવારજનોએ ગામ માંથી ડોક્ટરને ઘરે બોલાવ્યા હતા. ડોક્ટર દ્વારા પતિ પત્નીને બાટલા ચઢાવવામાં આવી રહ્યા હતા ત્યારે બાળકી રમતી હતી અને અચાનક ઢળી પડી હતી.
પીએસઆઇ રાઠોડના જણાવ્યા અનુસાર, બાળકીના મળત દેહને પોસ્ટ મોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યો છે, જ્યારે તેનાં માતા-પિતાની ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
વાંસોજ ગામની આ ઘટનાને પગલે નવાબંદર મરીન પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં પરિવારના સભ્યોની તબિયત કયા કારણોસર લથડી, બાળકીની સ્થિતિ કયારે ગંભીર બની અને સારવાર સંબંધિત વિગતો સહિતના પાસાં તપાસવામાં આવશે. હાલ માતા-પિતા સારવાર હેઠળ છે અને બાળકીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોત પાછળનું ચોક્કસ કારણ સામે આવશે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
