<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

યુવા નેતૃત્‍વને શાસનની ધુરા સોંપતા પોરબંદરનો વિકાસ પકડશે વધુ ઝડપી ગતિઃ રામદેવભાઈ મોઢવાડિયા

મહાનગરપાલિકા, જિલ્‍લા-તાલુકા પંચાયતોમાં યુવા ચહેરાઓને મળી જવાબદારીઃ ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટીની રાજ્‍ય ડિઝાસ્‍ટર શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ પાઠવી શુભેચ્‍છાઃ જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી અને મહામંત્રીઓની ટીમ વર્કથી થયેલી કામગીરીને કારણે મળી જીતઃ કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને રાજ્‍યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ થશે કામગીરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૭: મહાનગરપાલિકા સહિત જિલ્‍લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવી ચૂક્‍યું છે અને તમામ મુખ્‍ય હોદ્દાઓ ઉપર યુવા પેઢીને શાસન ધુરા સોંપવામાં આવી છે તે ખૂબ જ આવકારદાયક છે. યુવાનો પોતાની દૂરંદેશી અને આધુનિકતાનો સમન્‍વય સાધીને પોરબંદર મહાનગર સહિત સમગ્ર જિલ્‍લાના હિતમાં અનેકવિધ કામગીરી કરશે તેવો આશાવાદ દર્શાવાયો છે.

ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટીની રાજ્‍યની ડિઝાસ્‍ટર શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ નવનિયુક્‍ત તમામ પદાધિકારીઓને શુભેચ્‍છા પાઠવી જણાવ્‍યું હતું કે, પોરબંદર મહાનગરપાલિકાની તમામ ૫૨ સીટ ભાજપ દ્વારા જીતી લેવાયા બાદ મુખ્‍ય પદ અધિકારીઓમાં મેયર તરીકે સાગર મનુભાઈ મોદી, ડેપ્‍યુટી મેયર તરીકે મનીષભાઈ કરશનભાઈ શિયાળ, અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરાની વરણી કરવામાં આવી છે. એ જ રીતે પોરબંદર જિલ્‍લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના સિનિયર આગેવાન રમેશભાઈ ઓડેદરા (પટેલ)ના પુત્રી શીતલબેન ઓડેદરાએ શાસન સંભાળ્‍યું છે. ત્રણેય તાલુકા પંચાયતમાં પણ યુવા પ્રમુખો પોરબંદરમાં પ્રતાપભાઈ કેશવાલા, રાણાવાવમાં જયેશભાઈ ભુતિયા, અને કુતિયાણામાં રાણીબેન સામતભાઈ પરમારે હોદ્દો સંભાળ્‍યો છે, ત્‍યારે આ યુવા ટીમ પોરબંદર શહેર અને જિલ્‍લાના વિકાસ માટે ખુબ મહત્‍વનું યોગદાન આપશે.

કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી એવા સાંસદ ડો. મનસુખ માંડવીયા અને રાજ્‍યના કેબિનેટ મંત્રી ધારાસભ્‍ય અર્જુન મોઢવાડિયા સહિતના માર્ગદર્શન નીચે નવા નિમણૂક પામેલા યુવા ચહેરાઓને ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટીના રાજ્‍યની ડિઝાસ્‍ટર શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા શુભેચ્‍છા આપવામાં આવી છે.

સાથે સાથે જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી અને જિલ્‍લા ભાજપના મહામંત્રીઓ પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા અને રાજેશભાઈ કરગટીયા સહિતના આગેવાનોની ટીમ વર્કની કામગીરીથી ભાજપની જીત થઈ હતી અને સર્વાનુમતે હોદ્દેદારોની નિમણૂક થઈ છે, તેમ પણ રામદેવભાઈએ ઉમેર્યું હતું.

રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, આજના સમયમાં યુવાનોનું સ્‍થાન અને મહત્‍વ રાજકીય ક્ષેત્રે નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે. લાંબા સમયથી રાજકારણમાં અનુભવ અને વયને પ્રાધાન્‍ય અપાતું હતું, પરંતુ હવે સમય બદલાયો છે. યુવાનોમાં નવી વિચારસરણી, આધુનિક અભિગમ, ટેક્રોલોજી પ્રત્‍યેની સમજણ અને દૂરંદેશી હોય છે. સોશિયલ મીડિયા, ડિજિટલ ગવર્નન્‍સ અને સ્‍માર્ટ સિટી જેવા વિષયોમાં યુવા નેતૃત્‍વ વધુ ઝડપથી નિર્ણય લઈ શકે છે. પોરબંદર જેવા ઐતિહાસિક શહેરને આધુનિકતાના પાટે ચડાવવા માટે યુવા ઊર્જા અનિવાર્ય છે.

 

(10:05 AM IST)