તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
પોરબંદર શ્રી હરિ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના સાનિધ્યમાં પૂ.ભાઈશ્રીની પ્રેરણાથી હજારો દીવડાથી દીપદાન
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પુરુષોત્તમ માસની સોમવતી અમાસે સાયં આરતીમાં અનેક દીપ પ્રગટાવીને દીપદાન સેવા અર્પણઃ ઉપસ્થિત ભક્તોએ ધન્યતા અનુભવી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૬: સનાતન ધર્મમાં અતિ પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસની સોમવતી અમાસે સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં
શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના સાનિધ્યમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી હજારો દીવડાથી દીપદાન સેવાનો દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને સમર્પિત આ સેવામાં સેંકડો ભાવિકોએ ભાગ લઈને આધ્યાત્મિક આનંદ માણ્યો હતો.
સોમવતી અમાસના દિવસે સાયં આરતીના સમયે શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ સામે અનેક દીવડા પ્રગટાવીને દીપદાન કરવામાં આવ્યું હતું. તેલ અને ઘીના દીવાથી આખું મંદિર ઝળહળી ઉઠ્યું હતું. પુરુષોત્તમ માસમાં કરાતી દીપદાન સેવાને અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે કરેલું દીપદાન જીવનમાંથી અંધકાર દૂર કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે.
મંદિરના પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે આરતી ઉતારી. શંખ, ઘંટ અને નગારાના નાદ વચ્ચે ભક્તોએ ઓમ નમો નારાયણૅના જયઘોષ કર્યા હતો
પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી આ અવસરે આસપાસના ગામ અને શહેરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સાયં આરતીમાં દીપદાનના દર્શન કરીને દરેક ભક્તના ચહેરા પર સંતોષ અને ધન્યતાના ભાવ જોવા મળ્યા. ઘણા ભાવિકોએ પોતાના પરિવારના સુખાકારી માટે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી હતી.
સાંદીપનિ વિદ્યાનિકેતનના સંચાલકોએ જણાવ્યું કે પુરુષોત્તમ માસમાં દરરોજ ભગવાનને વિશેષ શણગાર, પૂજા અને સેવા કરવામાં આવે છે. સોમવતી અમાસના દીપદાનથી આ માસની ઉજવણી વધુ ભવ્ય બની હતી.
હિદુ પંચાંગ મુજબ દર ૩ વર્ષે એકવાર આવતો પુરુષોત્તમ માસ, જેને મલમાસ પણ કહે છે, તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ માસમાં દાન, જપ, તપ અને દીપદાન કરવાથી વિશેષ ફળ મળે છે એવી ધાર્મિક માન્યતા છે. શ્રીહરિ મંદિરમાં દરરોજ સવાર-સાંજ આરતી અને ભજન-કીર્તનનું આયોજન થાય છે. ભાવિકો દર્શનનો લાભ લઈ શકે છે.(તસ્વીરઃ મૂકેશ વાઘેલા. જૂનાગઢ)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
