તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 10th July 2026
પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જમીન ફાળવણીના ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો
આગામી પાંચ વર્ષ સુધી નાગરિક સુવિધાઓ માટે સરકારી જમીન વિનામૂલ્યે આપવાના નિર્ણયથી પોરબંદરની વિકાસલક્ષી યોજનાઓને નવી ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે - મેયર

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યની નવરચિત મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે લેવાયેલા ઐતિહાસિક અને લોકઉપયોગી નિર્ણયને પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીએ હાર્દિક વધાવી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતની વિવિધ આવશ્યક નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીનો સંપૂર્ણપણે વિનામૂલ્યે ફાળવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, તેને મેયર સાગરભાઈ મોદીએ પોરબંદરના ભવિષ્ય અને શહેરી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાવ્યો છે.
પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીએ આ અંગે વિસ્તૃત પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આ કલ્યાણકારી નિર્ણયથી પોરબંદર મહાનગરપાલિકાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓને એક નવી સ્પીડ અને ગતિ મળશે. મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા સ્થાનિક નાગરિકોને વધુ ગુણવત્તાસભર પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ ખૂબ જ ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાશે. અગાઉ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હદ વિસ્તાર વધવાના કારણે જમીનની જે જરૂરિયાતો ઊભી થઈ હતી, તેનો આ નિર્ણયથી કાયમી ઉકેલ આવશે.
રાજ્ય સરકારના આ દૂરોગામી, પ્રજાલક્ષી અને પ્રોગ્રેસિવ નિર્ણય બદલ મેયર સાગરભાઈ મોદીએ સમગ્ર પોરબંદર વતી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીનો આ અભિગમ પોરબંદરવાસીઓના વ્યાપક હિતમાં અત્યંત સરાહનીય અને આવકારદાયક છે, જે લાંબા ગાળે શહેરના આધુનિકીકરણ અને આયોજનબદ્ધ શહેરી વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
