<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

પોરબંદરઃ ઈબોલા વાયરસે ભારતમાં એન્‍ટ્રી કરી છે ત્‍યારે સાવધ રહેવું જરૂરી

તબીબી જગતમાં કોવિડથી પણ ખતરનાક ગણવામાં આવતા વાયરસને અટકાવવા માટે અત્‍યારથી પગલા ભરવા જરૂરી બન્‍યા હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટે સેવી ચિંતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૯: ઈબોલા વાઈરસે ભારતમાં એન્‍ટ્રી કરી લીધી છે,ત્‍યારે તેની સામે સાવચેત રહેવા અપીલ થઈ છે.

હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતુ કે,વિશ્વભરમાં અનેક જીવલેણ બિમારીઓએ સમયાંતરે માનવજાતને હચમચાવી છે.કોરોના મહામારી બાદ હવે ફરી એકવાર આરોગ્‍ય જગતમાં ચિતાનો માહોલ સર્જાયો છે.અત્‍યંત ઘાતક અને જીવલેણ ગણાતા ઈબોલા વાયરસના સંભવિત કેસને લઈને ભારતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે.આ પરિસ્‍થિતિમાં લોકોમાં જાગૃતિ અને સાવચેતી ખુબ જ જરૂરી બની છે.

હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે,ઈબોલા જેવા જીવલેણ વાયરસ સામે નાગરિકોએ અત્‍યારથી જ સાવચેત થવાની જરૂર છે. તેમણે જણાવ્‍યું કે કોવિડ-૧૯ પછી લોકો આરોગ્‍ય અંગે વધુ જાગૃત બન્‍યા છે,છતાં ઈબોલા વાયરસની ગંભીરતા કોરોના કરતાં પણ વધુ માનવામાં આવે છે.

રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે સોશિયલ મીડિયા પર ઘણીવાર ખોટી માહિતી ઝડપથી ફેલાતી હોય છે.લોકો કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે અને માત્ર અધિકૃત આરોગ્‍ય વિભાગ અથવા તબીબી નિષ્‍ણાતોની માહિતી પર જ વિશ્વાસ રાખે.

તેમણે ઉમેર્યું હતું કે કોરોના મહામારી દરમિયાન આપણે જોયું કે સાવચેતી, માસ્‍ક, સ્‍વચ્‍છતા અને સમયસર સારવારથી ઘણું નુકસાન અટકાવી શકાયું હતું.તેવી જ રીતે ઈબોલા જેવી ગંભીર બિમારી સામે પણ લોકોમાં જાગૃતિ અને જવાબદારી જરૂરી છે.

આરોગ્‍ય નિષ્‍ણાતોનું માનવું છે કે,ભારતમાં અત્‍યારથી જ એરપોર્ટ સ્‍ક્રીનિગ, હોસ્‍પિટલોમાં આઈસોલેશન વોર્ડ અને તબીબી સ્‍ટાફને તાલીમ આપવાની જરૂર છે.ખાસ કરીને મોટા શહેરો અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવતા વિસ્‍તારોમાં વધુ સતર્કતા જરૂરી બની છે.

હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટે જણાવ્‍યું હતું કે,ઈબોલા વાયરસને લઈને ગભરાવાની જરૂર નથી,પરંતુ બેદરકારી રાખવી પણ યોગ્‍ય નથી.લોકોમાં યોગ્‍ય માહિતી, સમયસર સારવાર અને સાવચેતી દ્વારા મોટા જોખમને અટકાવી શકાય છે.

અંતમાં રામદેવભાઈ મોઢવાડિયાએ તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પોતાના તથા પરિવારના આરોગ્‍ય પ્રત્‍યે સજાગ રહે, સ્‍વચ્‍છતા જાળવે અને કોઈપણ ગંભીર લક્ષણ દેખાય તો તરત તબીબી માર્ગદર્શન લે તેમ જણાવ્‍યુ હતુ

(9:57 AM IST)