News of Saturday, 15th August 2026
પૂજ્ય બાપુની જન્મભૂમિ પોરબંદરમાં સ્વિમિંગ ક્લબના સાહસિક તરવૈયાઓએ ઘૂઘવતા અરબી સમુદ્રના છાતીસમા પાણીમાં શાનથી તિરંગો લહેરાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી
પોરબંદર ચોપાટી ખાતે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દરિયાની વચ્ચે ધ્વજવંદનનો શાનદાર કાર્યક્રમ યોજાયો :દરિયામાં 500 મીટર દૂર પહોંચીને રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે. પોરબંદર ચોપાટી ખાતે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દરિયાની વચ્ચે ધ્વજવંદનનો શાનદાર કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ અવસર પર ક્લબના સભ્યો દરિયામાં 500 મીટર દૂર જઈને તિરંગો લહેરાવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને ભીની આંખો અને ગર્વ સાથે સલામી આપી હતી. આ અનોખા અભિગમે સમગ્ર શહેરમાં દેશભક્તિનો અદભુત માહોલ ઊભો કર્યો છે અને આ દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર ચોપાટીનો દરિયો આજે સંપૂર્ણપણે દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો, જ્યાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સાહસિક સભ્યોએ અદ્ભુત ઉત્સાહ બતાવ્યો હતો. આ કાર્યક્રમમાં 7 વર્ષની નાની બાળકી સહિત અંદાજે 100 લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને દરિયામાં 500 મીટર દૂર પહોંચીને રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 26 વર્ષથી આ ક્લબ દ્વારા પ્રજાસત્તાક પર્વ અને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દરિયામાં ધ્વજવંદન કરવાની આ શાનદાર પરંપરા અવિરતપણે જાળવવામાં આવી રહી છે. દરિયાની ઉછળતી લહેરો વચ્ચે લહેરાતો ત્રિરંગો અને તેને સલામી આપતા તરવૈયાઓનું આ દૃશ્ય સૌના માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
લોકોમાં સાહસવૃત્તિ કેળવાય અને દરિયાઈ રમતગમતને યોગ્ય પ્રોત્સાહન મળે તે મુખ્ય હેતુસર આ પ્રેરણાદાયી આયોજન દર વર્ષે કરવામાં આવે છે. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા માત્ર ધ્વજવંદન જ નહીં, પરંતુ ભવિષ્યમાં કોસ્ટલ હાફ મેરેથોન તેમજ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ પ્રકારના રાષ્ટ્રીય આયોજનો દ્વારા યુવાનોમાં દેશપ્રેમની સાથેસાથે શારીરિક ક્ષમતા અને સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યેનો લગાવ પણ વધે છે. આઝાદીના આ મહાપર્વ પર પોરબંદરના દરિયાકાંઠે યોજાયેલા આ કાર્યક્રમે સાબિત કરી દીધું છે કે દેશભક્તિ વ્યક્ત કરવા માટે સીમાઓ નહીં, પરંતુ સાચા જોશ અને સમર્પણની જરૂર હોય છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
