<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ભુજમાં બર્થ ડેની ઉજવણીમાં દારૂ સાથેનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં : શખ્શની અટકાયત

દરોડા દરમિયાન આરોપી પાસેથી બિયરનો જથ્થો જપ્ત કરાયો :કાયદાનું ભાન કરાવવા પોલીસે આરોપી પાસે જાહેરમાં મંગાવી માફી

ભુજ ખાતેથી સોશ્યલ મીડિયા પર દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે માત્ર આરોપીની ધરપકડ જ નથી કરી, પરંતુ તેને જાહેરમાં માફી મંગાવી કાયદાનો પાઠ ભણાવ્યો છે. 

મળતી વિગતો મુજબ, ભુજ શહેરમાં એક શખ્સે પોતાના જન્મદિનની ઉજવણી દરમિયાન જાહેરમાં દારૂ અને બિયરની મહેફિલ માણી હતી. આટલેથી ન અટકતા, આ શખ્સે કાયદાને પડકાર ફેંકતા હોય તેમ દારૂની બોટલો સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો. આ વીડિયો જોતજોતામાં વાયરલ  થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા.

 

 

વીડિયો પોલીસના ધ્યાન પર આવતા જ ભુજ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વીડિયોમાં દેખાતા શખ્સની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન આરોપી પાસેથી બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી તેને ઘટનાસ્થળે લઈ જઈ, જ્યાં મહેફિલ માણી હતી ત્યાં જ જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી હતી. પોલીસની આ 'સ્ટાઈલ' જોઈને અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો.

 

(11:13 PM IST)