તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
મોરબીમાં દારૂના કટિંગ વેળાએ જ પોલીસનો દરોડો : રૂ.46.86 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો.
ટ્રકમાં બટાકાની આડમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો દારૂ : 5616 બોટલ અને 4608 બિયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો, અન્ય 11 સામે ગુનો નોંધાયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બુટલેગરો દ્વારા મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસોને પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. શહેરની ભાગોળે નદીના કાંઠે આવેલા એક વિસ્તારમાં રાત્રિના સમયે પરપ્રાંતીય ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે જ પોલીસે દરોડો પાડી રૂ.46.86 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. આ મેગા ઓપરેશનમાં પોલીસે દારૂ, વાહનો અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 81 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાસ્થળેથી એક આરોપી પકડાઈ ગયો છે જ્યારે અન્ય ફરાર થઈ ગયેલા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબી પી.આઈ.ને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોરબી-અમરેલી રોડ પર વીસીપરા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા નજીક વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. મચ્છુ નદીના કાંઠે એક મોટા ટ્રકમાંથી વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું અને દારૂના બોક્સ અલગ-અલગ વાહનોમાં સગેવગે કરવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે જ એલસીબી અને બી ડિવિઝન પોલીસ ત્રાટકી હતી.
બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે અનોખી તરકીબ અપનાવી હતી અને રાજસ્થાન પાસિંગના ટ્રકમાં 50 કિલો વજનની બટાકા ભરેલી 280 બોરીઓની આડમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 5616 બોટલ, જેની કિંમત રૂ. 41,10,288 થાય છે, તે કબ્જે કરી છે. આ ઉપરાંત રૂ. 5,76,000 ની કિંમતના બિયરના 4608 ટીન પણ મળી આવ્યા છે. ટાટા કંપનીનો ટ્રક, 3 ટ્રેક્ટર, 4 મોટરસાઇકલ, મોબાઇલ ફોન અને બટાકાની બોરીઓ મળીને કુલ રૂ. 81,11,288 નો માતબર મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી સંદિપભાઈ ભુપતભાઈ અગેચાણીયા (રહે. વીસીપરા કુંભારવાડા, મોરબી) નામના એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે આ દારૂનો જથ્થો મંગાવનાર રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઈ અગેચાણીયા અને અક્ષય બાબુભાઈ અગેચાણીયા તેમજ ટ્રક નંબર RJ14GH 0333 નો ચાલક, 3 ટ્રેક્ટર ચાલક, 4 મોટરસાયકલ ચાલક અને દારૂ મોકલનાર સહિત કુલ 11 શખ્સો પોલીસને હાથ લાગ્યા ન હતા. પકડાયેલા અને ફરાર એમ કુલ 12 આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બુટલેગરો દ્વારા દિવાળીના તહેવાર માટે અલગ અલગ બ્રાન્ડનો દારૂ મંગાવવામાં આવ્યો હતો. પોલીસની જપ્તી યાદી મુજબ મેકડોવેલ્સ નંબર-૧ ની 648 બોટલ, ઓલસીઝન ગોલ્ડન કલેક્શનની 1404 બોટલ, રોયલ ચેલેન્જ ફાઈનની 2940 બોટલ અને ગ્રાન્ડ અફેર પ્રીમિયમની 624 બોટલ સામેલ છે. આ ઉપરાંત કિંગફિશર સ્ટ્રોંગ ક્લાસિક પ્રીમિયમ બિયરના મોટા જથ્થાનું પણ કટિંગ થાય તે પહેલા જ પોલીસે મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.
એલસીબી અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસના સ્ટાફે સંયુક્ત રીતે આ સફળ ઓપરેશન પાર પાડયું હતું. જેમાં મોરબી એલસીબી પી.આઈ. એસ.પી.જાડેજા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ વી.જી.માલાણી તેમજ એએસઆઈ ચંદુભાઈ કાણોતરા જોડાયા હતા. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રાઠોડ અને બી ડિવિઝનના પીએસઆઈ બી.એ.ગઢવી સહિતના સર્વેલન્સ સ્ટાફના માણસો આ કામગીરીમાં જોડાયેલ હતા
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
