તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
કચ્છના રાપરમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો સામે પોલીસ-નગરપાલિકાની તવાઈ
લારી-ગલ્લા સહિત નડતરરૂપ ચીજવસ્તુઓ હટાવાઈ; 11 એન.સી. સાથે રૂ. 5,500નો દંડ : પાંચ વાહનો ડિટેઇન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮ : કચ્છના રાપર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને નડતરરૂપ બનતા લારી-ગલ્લા, દબાણો તથા અન્ય ચીજવસ્તુઓ સામે રાપર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ કામગીરીને પગલે જાહેર માર્ગો પર દબાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન અને વડપણ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાપર શહેરના દેના બેન્ક ચોક, એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તાર, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ તથા માલી ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ લારી-ગલ્લા તેમજ અન્ય સામાનને હટાવી ડિટેઇન કરી કબજે લેવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં રાપર ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડ, ટીઆરબી જવાનો ભાવેશ પરમાર, રવજી સોલંકી, વિજય બગડા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. નગરપાલિકાના સહયોગથી હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કામગીરી દરમિયાન સ્થળ પર 11 એન.સી. દાખલ કરી કુલ રૂ. 5,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે પાંચ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને જાહેર માર્ગો પર દબાણો ન થાય તે માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી આગામી દિવસોમાં પણ આવા દબાણો સામે કડક કાર્યવાહી થવાના સંકેતો મળ્યા છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
