News of Friday, 18th September 2026
પોલીસ પરિવાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ
રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવોની તરણેતરના મેળામાં ઉપસ્થિતિ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૮ :.. વિશ્વપ્રસિદ્ધ તરણેતર લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે રેન્જ આઈ.જી. શ્રી નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલું, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વૈદિકા બિહાની તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિશાલ રબારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રેન્જ આઈ.જી. શ્રી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, લોકમેળાના સમાપન અવસરે પોલીસ પરિવાર અને રેન્જમાંથી પધારેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ ભગવાન ત્રિનેત્રેશ્વરના ચરણોમાં ધ્વજ અર્પણ કરી, તેમના આશીર્વાદ મેળવીને સુરક્ષા બંદોબસ્તની સફળ પૂર્ણાહુતિ કરી છે. તા. ૧૪ થી શરૂ થયેલા આ મેળામાં પ્રારંભથી જ પશુ પ્રતિયોગિતા અને લાડવા ખાવાની હરીફાઈ જેવી વિવિધ ગ્રામીણ સ્પર્ધાઓનો સહેલાણીઓએ આનંદ માણ્યો હતો.
તરણેતર આઉટ પોસ્ટથી પ્રસ્થાન થયેલી આ ભવ્ય ધજા યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. ધજા યાત્રાના સમગ્ર રૂટ પર રાસમંડળીઓએ પરંપરાગત રાસની રમઝટ બોલાવી હતી. આંટાડી પાઘડી તથા રંગબેરંગી કેડિયું સહિતના પરંપરાગત પરિધાનથી સજ્જ યુવાનો અને તરણેતર મેળાની ખાસ ઓળખ સમી મોરલાવાળી છત્રીઓ સાથે જોડાયેલા લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ધજા યાત્રા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા પોલીસ જવાનોએ પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મુખ્ય પૂજારીશ્રીએ શાષાોક્ત વિધિથી ધજાનું પૂજન કરાવ્યું હતું અને ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ક્ષણે સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ધ્વજારોહણ બાદ મંદિર પરિસરમાં જામેલા રાસ-ગરબામાં રાસમંડળીઓ સાથે પોલીસ જવાનો પણ જોડાયા હતા.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
