<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

કચ્‍છના પ્રવેશદ્વાર આડેસર વિસ્‍તારમાં પોલીસનું નાઈટ કોમ્‍બિંગઃ ૩૫ પ્રાણઘાતક હથિયારો સાથે ૨૧ વાહનો ડિટેઈન

૭૬ પોલીસકર્મીઓની ટીમે રાત્રિ દરમિયાન સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું: ૧૯ શંકાસ્‍પદ શખસો અને ૩૭ વાહનોની તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬: કચ્‍છના પ્રવેશદ્વાર ગણાતા આડેસર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં અસામાજિક તત્‍વો તેમજ ગેરકાયદેસર હથિયારો રાખતા શખસો સામે કાર્યવાહી કરવા ભચાઉ ડિવિઝન પોલીસે રાત્રિના સમયે સરપ્રાઈઝ ચેકિગ અને નાઈટ કોમ્‍બિંગ હાથ ધર્યું હતું. પોલીસની આ કાર્યવાહીમાં ૩૫ જેટલા પ્રાણઘાતક હથિયારો કબજે કરવામાં આવ્‍યા હતા, જ્‍યારે ૨૧ વાહનો ડિટેઈન કરવામાં આવ્‍યા હતા. પૂર્વ કચ્‍છ જિલ્‍લા પોલીસ વડા સાગર બાગમારની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની આગેવાની હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં કુલ ૭૬ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

નાઈટ કોમ્‍બિંગ દરમિયાન અગાઉ શરીર સંબંધી ગુનાઓ, ચોરી સહિતના વિવિધ ગુનાઓમાં પકડાયેલા શખસો તેમજ અસામાજિક તત્‍વોની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ વિવિધ સ્‍થળોએ વાહન ચેકિગ હાથ ધરી શંકાસ્‍પદ વાહનોની તપાસ કરવામાં આવી હતી.

પોલીસની કાર્યવાહીમાં જી.પી. એક્‍ટની કલમ ૧૩૫ હેઠળ ૧૫ કેસ નોંધાયા હતા. જ્‍યારે એમ.વી. એક્‍ટની કલમ ૨૦૭ હેઠળ ૨૧ વાહનો ડિટેઈન કરવામાં આવ્‍યા હતા. પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં ૭ ધારદાર છરી, ૧૫ ધારિયા, ૩ છરા-ધારિયા, ૪ કટાર, ૧ તલવાર, ૧ કુહાડી, ૧ ગુપ્તી અને ૩ લાકડીઓ મળી કુલ ૩૫ હથિયારો કબજે કર્યા હતા.

આ ઉપરાંત પોલીસે ૧૯ શંકાસ્‍પદ શખસોની પૂછપરછ અને ચકાસણી કરી હતી, જ્‍યારે ૩૭ જેટલા વાહનોની તપાસ કરવામાં આવી હતી. આ કામગીરીમાં આડેસર પીઆઈ જે.બી. આચાર્ય, રાપર પીઆઈ આર.એલ. ખટાણા, ભચાઉ પીઆઈ ડી.ડી. ઝાલા, લાકડીયા સી.એસ. કુગસીયા, ગાગોદર પીઆઈ જી.એસ. સોલંકી, બાલાસર પીએસઆઈ ડી.આર. ગઢવી અને ખડીર પીઆઈ એ.જે. પરમાર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

પોલીસની આ નાઈટ કોમ્‍બિંગ કામગીરીથી આડેસર સહિતના વિસ્‍તારમાં અસામાજિક તત્‍વોમાં ફફડાટ ફેલાયો હતો. ગેરકાયદેસર હથિયારો રાખતા તત્‍વો સામે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવ્‍યા છે. (તસ્‍વીરઃ મુકેશ રાજગોર, રાપર)

(10:23 AM IST)